Published by : Anu Shukla
- ગુજરાતનો આ વિસ્તાર ‘કાશ્મીર’ બની જાય છે
ગુજરાતમાં ઠંડીની શરૂઆત આ વર્ષે થોડી મોડે થઈ. પરંતુ હવે ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થયા બાદ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહીમાં દર વખતની જેમ આ સિઝનમાં પણ કચ્છના નલિયામાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું છે અને આવનારા સમયમાં પણ નલિયાના તાપમાનમાં ઘટાડો થશે. ત્યારે લોકોને સવાલ થતો હશે કે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં જ કેમ પડે છે? એવા તો કયા કારણો છે, જેના લીધે દરવખતે નલિયાનું તાપમાન અન્ય પ્રદેશનોની તુલનામાં સૌથી વધુ ઝડપથી નીચે જાય છે? એક સવાલ એ પણ થાય કે અત્યાર સુધીના ઈતિહાસમાં નલિયામાં સૌથી ઓછું તપમાન ક્યારે અને કેટલું નોંધાયું?
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી ના જણાવ્યાં મુજબ
દરવખતે શિયાળાની ઋતુમાં નલિયાનું તાપમાન ગુજરાતના અન્ય વિસ્તારોની તુલનામાં નીચે જ જતું રહેતું હોય છે. પરંતુ ભૂતકાળમાં બે વખતે એવો પણ સમય આવી ચુક્યો છે, જ્યારે નલિયાએ પોતાના જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ચાલુ સિઝનમાં 25 ડિસેમ્બર 2022ના રોજ નલિયામાં 4.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે આ વખતનો રેકોર્ડ છે. આ પહેલા 8 ફેબ્રુઆરી 2012ના રોજ નલિયામાં 0.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા 10 વર્ષનો સૌથી ઓછા તાપમાનનો રેકોર્ડ છે.
કચ્છનો ભૌગોલિક વિસ્તાર બીજા જિલ્લા કરતા ઘણો અલગ છે. જેના કારણે નલિયામાં ઠંડી અને ગરમી તેમજ ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળે છે. કચ્છનો વિસ્તાર 45,674 સ્ક્વેર કિલોમીટર છે. એટલે હરિયાણા, કેરળ અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યો કરતાં પણ વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ મોટો પ્રદેશ છે. કચ્છની ખાસ વિશેષતા એ છે કે ત્યાં નાનુ અને મોટુ રણ આવેલ છે. ઉપરાંત બન્નીનું ઘાસીયુ મેદાન પણ છે.
મોસમી પવનોની દિશા મુખ્ય કારણ
શિયાળામાં મોસમી પવનો અરવલ્લી પર્વતમાળાની સમાંતર ઉત્તરથી દક્ષિણ દિશા તરફ ગતિ કરે છે. આ ઠંડા પવનો હિમાલય તરફથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન થઈને ગુજરાત પહોંચે છે અને રાજ્યના પશ્ચિમભાગમાં તાપમાન ઘટવા લાગે છે. હવામાન વિભાગે જણાવ્યા મુજબ નલિયાની આસપાસ મોટા તળાવ છે. કોઈ વિશાળ બાંધકામ નથી, આસપાસ જંગલ અને રણ વિસ્તાર છે. એટલે અહીંયા તાપમાન ઘટતું જાય છે.
હવામાન વિભાગે નલિયા અને ભૂજની તુલના કરી સ્થિતિને વધુ સ્પષ્ટ બનાવી. 100 કિલોમીટર કરતાં પણ ઓછા અંતરે આવેલા બન્ને શહેરોના તાપમાનમાં સામાન્ય રીતે 5 ડિગ્રી સેલ્સિયસનો ફેર રહે છે. કારણ છે ભોગોલીક સ્થિતિ, વસતી, બાંધકામ.આ બધા કારણોસર આવી પરિસ્થિતી સર્જાય છે.
કચ્છમાંથી મુખ્યત્વે નલિયા ઉપરાંત ભૂજ અને કંડલામાં હવામાન વિભાગે તાપમાન નોંધવાની વ્યવસ્થા ગોઠવી છે. એટલે કદાચ નલિયા કરતાં આસપાસના વિસ્તારમાં ઓછુ તાપમાન હોય તો પણ નોંધાય નહીં. પરંતુ આવું થવાની સંભાવના ઓછી જ છે.