- ગ્વાલિયરના ડબરામાં 12 એકરમાં સૂર્ય સહિત નવ ગ્રહો પત્ની સાથે બિરાજશે…
એક સાથે નવગ્રહોના દર્શન કરવા અને તે પણ તેમની પત્ની સાથે તે ભકતો માટે અનેરો લ્હાવો છે. ત્યારે મધ્યપ્રદેશમાં ઍક એવું મંદીર આકાર લઈ રહ્યું છે. જેમાં નવગ્રહ તેમની પત્ની સાથે બિરાજમાન હશે. વિજ્ઞાન હોય કે જ્યોતિષ સૂર્ય સહિત નવ ગ્રહોની જીવન પર પડનાર વ્યાપક અસરને બંને સ્વીકારે છે. નવ ગ્રહોને એકસાથે જોવું અને તે પણ તેમની પત્ની સાથે, તો ગ્રહોમાં વિશ્વાસ રાખનારાઓ માટે આ એક શુભ સમાચાર કહેવાશે. હાલમા ગ્વાલિયર જિલ્લાના ડબરા તાલુકામાં મધ્યપ્રદેશનું સૌથી મોટું નવગ્રહ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જેની કામગીરી 90 ટકા પૂર્ણ થઈ ગઈ છે. આ મંદિર વિજ્ઞાન અને જ્યોતિષ બંનેની માન્યતાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે.
ડબરા શહેરની પશ્ચિમ તરફ જ્યાં પહેલાં સુગર મિલ હતી, ત્યાં હવે 12 એકરમાં નવગ્રહ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. અગાઉ ડબરાની ઓળખ ખાંડ માટે થતી હતી. જો કે આ મિલ હવે બંધ છે. ડબરાની નવી ઓળખ હવે અહીં બાંધવામાં આવનાર નવગ્રહ મંદિરથી થવાની ધારણા છે. મંદિર ટ્રસ્ટનો એવો દાવો છે કે તે મધ્યપ્રદેશનું સૌથી ભવ્ય નવગ્રહ મંદિર બનવા જઈ રહ્યું છે. જ્યાં તમામ નવ ગ્રહો તેમની પત્નીઓ સાથે બિરાજશે. આ મંદિરના નિર્માણમાં દ્રવિડ, ફારસી અને મિશ્ર શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર મંદિરનું નિર્માણ ગોળાકાર સ્વરૂપમાં કરવામાં આવ્યું છે. અહીં વાસ્તુ અને વિજ્ઞાન બંનેનું ધ્યાન રાખવામાં આવ્યું છે, કારણ કે વાસ્તુમાં ગોળાકાર વસ્તુઓ પર કોઈ અશુભ અસર થતી નથી, તો વિજ્ઞાન અનુસાર ગ્રહો ગોળાકાર કક્ષમાં જ ફરે છે.
તે સાથે મંદિરની નજીક એક વિશાળ તળાવ બનાવવામાં આવ્યું છે. જેમાં વહેતું પાણી મંદિરની પરિક્રમા કરતી વખતે તળાવમાં પાછું પહોંચશે અને પરિક્રમા કરવાની પ્રક્રિયા સતત ચાલુ રહેશે. તેની પાછળનો તર્ક પણ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લેવામાં આવ્યો છે કારણ કે જ્યારે સૂર્ય ભગવાન પૃથ્વી પર બિરાજમાન હોય છે ત્યારે તેમના તેજને નિયંત્રિત કરવા અથવા ઉર્જાને નિયંત્રિત કરવા માટે પાણીની જરૂર પડે છે. તેનું કામ આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં પૂર્ણ થવાની સંભાવના છે. હાલમાં 90% કામ પૂર્ણ થઈ ગયું છે. મંદિરના નિર્માણથી ડબરા વિસ્તારમાં પ્રવાસનને મોટો વેગ મળશે.
મંદિરનું નિર્માણ ભગવાન પરશુરામ લોક ન્યાસ દ્વારા વર્ષ 2012માં શરૂ કરવામાં આવ્યું હતુ. લગભગ 12 એકર જમીનમાં મંદિર અને તેના પરિસર સહિતનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. આર્કિટેક્ટ અને એન્જિનિયર અનિલ શર્માએ જણાવ્યું કે હવે મંદિરમાં સ્થાપિત થનારી મૂર્તિઓની સાથે તળાવ અને અન્ય બ્યુટિફિકેશનનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ મંદિર તેની વિશેષતાઓને કારણે મધ્યપ્રદેશનું સૌથી મોટું નવગ્રહ મંદિર હશે.
વધુમાં જોતાં 40 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલા મંદિર અને એક લાખ સ્ક્વેર ફૂટમાં પ્લેટફોર્મ એરિયા બનાવવા માટે દ્રવિડ, ફારસી અને મિશ્ર શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનો બહારનો સ્વરૂપ મિશ્ર શૈલીમાં છે જ્યારે સૂર્ય મંદિર દ્રવિડ શૈલીમાં છે. આખું સ્વરૂપ રથના આકારમાં છે. જેમાં ચાર પૈડાં અને 7 ઘોડા, વરુણ દેવને સારથિ તરીકે દર્શાવવામાં આવ્યા છે જેઓ તમામ ઘોડાઓની લગામ પોતાના હાથમાં ધરાવે છે.