Home News Update નવતર પ્રયોગ : વડોદરાના ઇજનેર યુવાને છત ઉપર એક્વાપોનિક્સથી શરૂ કરી ખેતી…

નવતર પ્રયોગ : વડોદરાના ઇજનેર યુવાને છત ઉપર એક્વાપોનિક્સથી શરૂ કરી ખેતી…

0

Published By : Disha PJB

માટી વિના થતી આ ખેતીમાં માછલી દ્વારા ઉત્સર્જિત કચરાથી છોડને પાણી સાથે પોષણ આપી ઉછેરવામાં આવે છે. શશાંક ચૌબેએ એક્વાપોનિક્સથી પોતાના ઘરે ટમેટા, કાકડી, દૂધી અને પાનાવાળા શાકભાજીની ખેતી શરૂ કરી છે.

વડોદરા શહેરના એક ઇજનેરે માટી વિના થતી વિશેષ પ્રકારની કૃષિ પદ્ધતિ વિકસાવી છે. માછલી દ્વારા ઉત્સર્જિત કચરાનો ઉપયોગ કરી તેમણે એક ઇમારતની છત ઉપર નાનકડી વાડી બનાવી શાકભાજીનું ઉત્પાદન લેવાનું શરૂ કર્યું છે. પરંપરાગત કૃષિ પદ્ધતિના વિકલ્પ તરીકે એક્વાપોનિક્સથી આ ઇજનેરે પોતાના ઘરે શાકભાજી ઉગાડી છે. વળી, જંતુનાશકોના ઉપયોગ વિના થતી આ ખેતીમાં ઉત્પાદિત શાકભાજી અતિ સ્વાદિષ્ટ હોય છે. વડોદરાના આ ઇજનેરે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકલનથી આ ખેતી કરે છે.

એક્વાપોનિક્સમાં માછલી અને અન્ય જળચર જીવો દ્વારા ઉત્સર્જિત વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને હાઇડ્રોપોનિક્સમાં પાણીમાં રહેલા વિવિધ ખનિજતત્વોથી છોડને પોષણ આપવામાં આવે છે. પશ્ચિમી દેશોમાં શહેરી ખેતી તરીકે આ પદ્ધતિ ચલણમાં આવતી જાય છે. તેનો પ્રયોગ વડોદરા શહેરમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયર શશાંક ચૌબેએ પોતાના ઘરની છત ઉપર કર્યો છે. આ પ્રકારની ખેતી માટે છતની ૭૦૦ ચોરસ મિટર જગ્યા રોકાઇ છે.

શશાંક ચૌબેએ કોઇ અને ગોલ્ડન ફિશની એક્વોપોનિક્સ માટે પસંદગી કરી છે. મત્સ્ય પાલન કેવી રીતે કરવું તેના માટે તેમણે રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગ વિભાગ પાસેથી માહિતી મેળવી છે. બન્ને પ્રકારની માછલીઓ પ્રમાણમાં વધુ કચરાનું ઉત્સર્જન કરે છે. એટલે તેને પસંદ કરવામાં આવી છે. આ માછલીઓને એક ટેંકમાં રાખવામાં આવે છે અને તેમાંથી તેના વેસ્ટને અલગ કરવામાં આવે છે. જે બાદમાં છોડના પોષકતત્વ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

તેમણે એક ઇમારતની છત ઉપર એક લાઇનમાં ૩૦ કુંડા ધરાવતી ૧૮ લાઇનોમાં ખેતી શરૂ કરી છે. જેમાં કાકડી, દૂધી, ટમેટા, આયુર્વેદિક દવાના છોડ ઉપરાંત પાનવાળા શાકભાજીનો ઉછેર શરૂ કર્યો છે. વળી, આ પદ્ધતિ સંપૂર્ણ પણે ઓર્ગેનિક હોવાથી તેમાં જંતુનાશકોનો ઉપયોગ કરવો પડતો નથી. તેનાથી ઉત્પાદિત શાકભાજી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

શહેરોમાં આ પ્રકારની ખેતી સરળતાથી કરી શકાય છે, તેમ શશાંક કહે છે. તે અઠવાડિયામાં માત્ર ૩૦૦ લિટર જ પાણીનો ઉપયોગ આ છોડના ઉછેર માટે કરે છે. એ બાબત જોતા એક્વાપોનિક્સ પદ્ધતિથી પાણીની પણ બહુ બચત થાય છે.

શશાંક ચૌબેનું કહેવું છે કે, દિલ્લીમાં યમુના કિનારે બિનઆરોગ્યપ્રદ રીતે થતી શાકભાજીની ખેતીને જોઇને મને એક્વાપોનિક્સનો વિચાર આવ્યો હતો. હજું અન્ય લોકોને પણ આ પ્રકારની ખેતી તરફ વાળવા ઇચ્છું છું.

ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version