આજકાલ ડિઝાઈનરોમાં જુની ફેશનમાં થોડી ફેરબદલ કરીને તેને થોડું આકર્ષક નામ આપીને ડિઝાઈનર પરિધાન તરીકે ખપાવી દેવાનો ટ્રેન્ડ ચાલે છે. અને ફેશનઘેલાઓ તેને હોંશે હોંશે પહેરે છે. તેથી જ હાલમાં આવી ઘણી જુની ફેશન પાછી નવા સ્વરૂપે આવી હોવાનું જાણવા મળ્યું છે. અને તે ખૂબ લોકપ્રિય પણ થઈ છે. સદીઓથી ભારતમાં પહેરાતી ચોળી પણ ફેશન ડિઝાઈનરોની નજરમાંથી ચૂકી નથી. અને હાલમાં બેકલેસ, બેક ટાયઅપ, હૉલ્ટર, સ્ટ્રેપી ચોળી એમ જુદા જુદા નવા નામે ચોળી ડિઝાઈન કરવામાં આવે છે.શરીર પર ચપોચપ બેસી જતું અને પાછળથી ખુલ્લું રહેતું બ્લાઉઝ એટલે ચોળી. બે દાયકા પહેલા ”ચોલી કે પીછે ક્યા હૈ” જેવા ગીતથી કે ”ચોલી કે અંદર ક્યા હૈ” જેવા ગીતોએ ચોળીનું મહત્વ વધારી દીધું છે. અને અન્ય વસ્ત્રો કરતાં ચોળીની ચર્ચા વધી ગઈ હતી.

ચોળીની શોધ નવમી સદીમાં થઈ હતી. અને શરૂઆતમાં ચોળી આગળનો ભાગ ઢંકાઈ અને પાછળથી પીઠ ઉઘાડી રહે તે રીતે જ પહેરવામાં આવતી હતી. ત્યારબાદ બધા રાજ્યની પોતપોતાની પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે સમયની સાથે તેમાં બદલાવ આવતો ગયો. કાઠિયાવાડ અને સિંધમાં પાછળ કસ બાંધીને પહેરાય તેવી ચોળી બનાવવામાં આવતી હતી. આ ચોળીનો આગળનો ભાગ ભરત અને આભલાથી ભરચક રહેતો. જો કે, આ પ્રકારની ચોળી સૌથી પહેલાં આરબ વેપારીઓ લઈ આવ્યા હતા. પછી જુદા જુદા પ્રાંતોની હસ્તકળા અને ભરત ભરવાની આવડત અનુસાર તેના પર લાલ કપડું લગાડીને આભલા પણ ભરવામાં આવતાં હતા. બધી જગ્યાનું કામ જુદુ જુદુ હોવાથી તે પ્રાંત અનુસાર જુદી પડવા લાગી. મહારાષ્ટ્રમાં ખણની ચોળીનું મહત્વ ઘણું હતું. આગળની બાજુ ગાંઠ મારીને પહેરાતી આ ચોળી ખૂબ જ સરસ લાગે છે. અને તેની પુનરાવૃત્તિ ‘બોબી’ ફિલ્મમાં આધુનીકરૂપે કરવામાં આવી હતી. ડિમ્પલ કાપડિયાએ પહેરેલી આ પ્રકારની ચોળીએ ‘બોબી ચોળી’ના નામે ધૂમ મચાવી હતી.

તે સિવાય છેલ્લા થોડા વર્ષોમાં ચોળીકમ બ્લાઉઝમાં ઘણો બદલાવ આવ્યો છે. વચ્ચેના સમયમાં હિન્દી ફિલ્મની નાયિકાઓએ જે રીતના બ્લાઉઝ પહેર્યા હતા. તેવી ફેશન પાછળ યુવતીઓ ઘેલી બની હતી. શ્રીદેવીએ મેધયા સ્લીવની ફેશન કાઢી હતી. જ્યારે રેખા શ્રેષ્ઠ અભિનેત્રી હતી તે સમયે તેણે ‘હાય નેક’ની ફેશન શરૂ કરી હતી. તે સમયે કોણી સુધીની બાંય અને બંધ ગળાના બ્લાઉઝનું ચલણ વધ્યું હતું. હવે આજ બંધ ગળામાં સ્ટેન્ડ પટ્ટી કરીને નાની બાંય સાથે ઘણા ડિઝાઈનરોએ બ્લાઉઝ બનાવ્યા છે. 60 ના દાયકામાં કેપ સ્લીવના બ્લાઉઝની ફેશન હતી જે આજે પણ એટલી જ લોકપ્રિય છે.

આ જુની ફેશનમાં થોડો ઘણો ફેરફાર જરૂર કરવામાં આવે છે. હમણાં થોડા સમયથી કેપ સ્લીવની સાથે સ્ટેન્ડ કોલરના બ્લાઉઝની ફેશન આવી છે. તે જ પ્રમાણે લાંબી બાંયની ફેશન મધુબાલા, વૈજયંતી માલા, વહિદા રહેમાન જેવી અભિનેત્રીઓ ફુલસ્લીવના જ બ્લાઉઝ પહેરતી હતી. તે જ ફેશન વચ્ચે ચાલી હતી. 70-80ના દાયકામાં સ્લીવલેસ બ્લાઉઝ માત્ર ઉચ્ચ વર્ગની ફેશન પરસ્ત નારીઓ પહેરતી હોય, એવી માન્યતા હતી. ત્યારબાદ ડોક સુધીના કે ડીપ નેકના, સ્કેવર નેક હાફ કટોરી, ફુલ કટોરી વગેરે અનેક ફેરબદલ થયા હતા.અત્યારે ફેશન ડિઝાઈનરોએ મળીને આ ચોળીને એકદમ ગ્લેમરસ રૂપ આપ્યું છે. સ્ટ્રેપ્સ અથવા પાછળ ટાયઅપ્સ હોય તેવી ચોળી, ટયુબ ચોળી, સ્ટ્રેચેબલ લાયક્રાની ચોળી એવી વિવિધ પ્રકારની ચોળી મળે છે. આ બધી ડિઝાઈનમાં બેકલેસ ચોળી સૌથી હીટ ગણાય છે. હોલ્ટરનેક જેવી દેખાતી આ ચોળી આગળથી આખા શરીરને ઢાંકે છે. અને પાછળથી પીઠ ખુલ્લી રહે છે. મોટે ભાગે શિફોન અથવા તેના જેવા પાતળા કાપડની સાડીમાં બેકલેસ ચોળી એકદમ સારી દેખાય છે.

આજકાલ એવોર્ડ સમારંભમાં ઐશ્વર્યા રાયથી લઈને શિલ્પા શેટ્ટી સુધીની બધી જ અભિનેત્રીઓ બેકલેસ ચોળીમાં ફરતી દેખાય છે. તે ઉપરાંત વેલ્વેટની ટાઈટ ચોળી પણ હાલમાં ફેશનમાં છે. સ્ટ્રેચ વેલ્વેટમાંથી બનનારી આ ચોળી બનાવવામાં પણ સરળ અને પહેરવામા એકદમ કમ્ફર્ટેબલ છે. જો બ્લાઉઝનું ફિટીંગ બરોબર ન હોય તો ડિઝાઈનર સાડીની કિંમત પણ બે કોડીની થઈ જાય છે. એ તેથી હંમેશા બ્લાઉઝ કે ચોળી સીવડાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી.