આ વર્ષે વરસાદ નવરાત્રીમાં ખેલૈયાઓનો ખેલ બગાડી શકે છે. હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન ફૂલ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રીની મઝા લોકો માણી શક્યા નથી ત્યારે આ વર્ષે પણ નવરાત્રીમાં વરસાદ વિલન બની શકે છે..સામાન્ય રીતે નવરાત્રિ ઓક્ટોબર મહિનામાં હોય છે. પરંતુ આ વર્ષે નવરાત્રિ વહેલી આવી ગઈ હોવાનું મનાય છે. અષાઢ મહિનો અધિક હતો અને એને કારણે આ વર્ષે નવરાત્રિ વહેલી છે. આ વખતે સપ્ટેમ્બરના અંત ભાગમાં જ નવરાત્રિ બેસી જાય છે. બીજી તરફ, જોવા જઈએ તો આ વર્ષે ચોમાસું પણ 15 દિવસ મોડું હતું અને ચોમાસાની શરૂઆત 1 જુલાઈ પછી થઇ હતી. આ કારણથી પાછોતરો વરસાદ પણ 15 દિવસ લંબાઈ શકે છે. જેથી નવરાત્રિમાં ૨૦૧૯ના વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ જોવા મળી શકે છે.
2019માં ભારે વરસાદે ત્રીજા નોરતે જ ખેલૈયાઓને ઘરમાં બેસાડી દીધા હતા. ત્યાર બાદ સળંગ બે વર્ષ- 2020 અને 2021માં કોરોનાએ નવરાત્રિના રંગમાં ભંગ પાડ્યો હતો. હવે માંડ 3 વર્ષે ગરબાની મજા માણવાનો રૂડો અવસર આવ્યો છે, ત્યારે ફરી વરસાદ વિલન બનીને ત્રાટકી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં ચોમાસું હજી પૂરું થયું નથી ..ચોમાસું પૂર્ણ થવાની તારીખો લંબાઈને હવે 11-13 ઓક્ટોબર થઈ શકે છે. આ સ્થિતિમાં વરસાદ આ વખતે પણ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે.
ગુજરાત ખાતેના હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે આનો પાક્કો ખ્યાલ હજી પણ અઠવાડિયા પછી આવી શકે છે. અત્યારે ગુજરાતમાં મોન્સૂન એક્ટિવ છે એ સિસ્ટમ પૂર્ણ થતાં ચાર-પાંચ દિવસ લાગી શકે છે. ત્યારબાદ કોઈ નવી સિસ્ટમ ડેવલપ થાય છે કે કેમ અને સપ્ટેમ્બરના અંત તથા ઓક્ટોબરના આરંભમાં વરસાદ પડી શકે કે કેમ એનો ખ્યાલ અઠવાડિયા પછી જ આવી શકે છે.