નવરાત્રીના પાવન પર્વનો આજથી શુભારંભ થયો છે. જેને પગલે અંબાજીમાં માં અંબાના શરણે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ ભકતો માં અંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર માં અંબાના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

અંબાજીના મંદિરમાં માતાજીની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું મંદિર હતું. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઉંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિ ભવ્ય મંદિરના ટ્સ્ટ્રીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને “ચાચરના ચોકવાળી માં ” પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન સમયે પુષ્કળ ઘી હોમે છે.
અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આજે નવરાત્રીના પ્રથમ નોરતે માઈ ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.અંબાજી મંદિરમાં આજે શાસ્ત્રોકત વિધિ અનુસાર ઘટ સ્થાપન કરવામાં આવશે.