Published by : Anu Shukla
- ઘોડિયા પટેલ સમાજના યુવકના લગ્નમાં ડીજેના તાલે જાનૈયાઓ ઝૂમ્યા
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના એક ગામમાં યુવકે અનોખો વરઘોડો કાઢ્યો હતો. આ યુવકે ગામમાં જ આદિવાસી પરંપરા મુજબ લગ્ન કર્યા હતા અને પોતાનો વરઘોડો જે.સી.બી.માં કાઢ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

લગ્ન એક એવો પ્રસંગ છે જે સૌ કોઈ યાદગાર બનાવવા માંગતા હોય છે. અને તેના માટે અવનવા કીમિયા પણ અજમાવતા હોય છે. ત્યારે નવસારી જિલ્લાના એક યુવાને પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અનોખો વરઘોડો કાઢ્યો હતો. ચીખલી તાલુકાના ક્લીયારી ગામના ઘોડિયા પટેલ સમાજના યુવકના લગ્ન ગામમાં જ નક્કી થયા હતા. આદિવાસી રીતિરીવાજો મુજબ આ લગ્ન થવાના હતા. જેમાં વરરાજાનો વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વરરાજાએ સૌથી અલગ પોતાનો વરઘોડો જેસીબી મશીનમાં કાઢ્યો હતો. આગળ ડીજે ચાલતું હતું જાનૈયાઓ તેમાં ઉલ્લાસભેર ઝૂમી રહ્યા હતા અને આ તમામ વચ્ચે જેસીબીમાં વરરાજા પણ નાચી રહ્યા હતા. જેસીબીમાં નીકળેલ વરઘોડાનો વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે અને આ યુનિક વરઘોડાને સરાહના પણ મળી રહી છે.




