દેશમાં નવેમ્બર મહિનામાં ફુગાવામાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બરમાં ખાદ્ય, ઇંધણ અને મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવ ઘટવાને કારણે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને ૫.૮૩૫ ટકા થઇ ગયો છે જે ૨૧ મહિનાની નીચલી સપાટી છે. ઉલ્લેખનીય છે કે ડબ્લ્યુપીઆઇ (હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ) આધારિત ફુગાવો મે મહિનાથી સતત ઘટી રહ્યો છે અને તે ઓક્ટોબરમાં સિંગલ ડિજિટમાં આવીને ૮.૩૯ ટકા નોંધવામાં આવ્યો હતો.નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગયા વર્ષનું હાઇ બેઇઝ અને ખાદ્ય વસ્તુઓના ભાવ ઘટવાને કારણે નવેમ્બર, ૨૦૨૨માં જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બર, ૨૦૨૨માં ફેબુ્રઆરી, ૨૦૨૧ પછીનો સૌથી ઓછો જથ્થાબંધ ફુગાવો નોંધવામાં આવ્યો છે. ફેબુ્રઆરી, ૨૦૨૧માં જથ્થાબંધ ફુગાવો ૪.૮૩ ટકા હતો.
વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર નવેમ્બર, ૨૦૨૨માં ખાદ્ય વસ્તુઓ, બેઝિક મેટલ, ટેક્સટાઇલ, કેમિકલ અને તેની પેદાશો, પેપર અને તેની વસ્તુઓના ભાવ ઘટવાને કારણે જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો નોંધાયો છે.નાણા પ્રધાન નિર્મલા સિતારમને સંસદમાં જણાવ્યું હતું કે સરકાર સામાન્ય લોકોના હિત માટે ફુગાવાનું પ્રમાણ ઘટાડવાના પ્રયત્નો ચાલુ રાખશે.સિતારમને લોકસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે પૂરક માગ અંગેના જવાબ આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને તેમના ગુ્રપ ઓફ મિનિસ્ટર્સ અને અધિકારીઓ ફુગાવો ઘટાડવાના સતત પ્રયત્નો કરી રહ્યાં છે.નવેમ્બરમાં ખાદ્ય ફુગાવો ૧.૦૭ ટકા નોંધવામાં આવ્યો છે જે અગાઉના મહિનામાં ૮.૩૩ ટકા હતો. નવેમ્બરમાં શાકભાજીના ભાવમાં ૨૦.૦૮ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. અગાઉના મહિનામાં શાકભાજીના ભાવમાં ૧૭.૬૧ ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો.