Published by : Rana Kajal
- કેન્સરનો ડર બતાવી ગર્ભાશય કાઢ્યા… ઉચ્ચ સ્તરીય તપાસ ની માંગ….
વર્ષો પહેલા સંજય ગાંધીના સમયમાં મસમોટું નસબંધી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. હાલ આવું જ કૌભાંડ મહિલાઓ માંથી ગર્ભાશય કાઢવાનું ચાલી રહ્યું છે. જે અંગે ઉચ્ચ સ્તરીય તપાસ ની માંગ લોકો દ્વારા કરવામાં આવી રહીં છે…ગર્ભાશય કૌભાંડની વિગતો જોતાં રાજસ્થાનના ચિત્તોડગઢમાં રહેતી 32 વર્ષની મહિલાને પેટમાં દુખાવો થતો હતો. તેને 29 મેના રોજ નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી હતી. દુખાવાનું કારણ કિડનીમાં પથરી હોવાનું જણાવાયું હતું. પરંતું પથરીની સારવાર કરવાને બદલે ડોક્ટરોએ મહિલાનું ગર્ભાશય કાઢી નાખ્યું હોવાનો આક્ષેપ થઈ રહયો છે જૉકે વધારે બ્લીડિંગને કારણે તેનું મૃત્યુ થયું હતું.
રાજસ્થાનથી લઈને બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપી સુધી મહિલાઓના ગર્ભને છીનવી લેવાનો સિલસિલો યથાવત છે એટલુજ નહિ સુપ્રીમ કોર્ટના આદેશ છતાં તેના પર અંકુશ આવી રહ્યો નથી. તેથી જ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર મોકલીને પૂછ્યું છે કે કેટલી મહિલાઓના ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યા છે.
ચિત્તોડગઢની એક NGO ‘પ્રયાસ’ સાથે જોડાયેલા ડૉ. ગુપ્તાના જણાવ્યાં મુજબ દૌસામાં મોટી સંખ્યામાં મહિલાઓને ગર્ભાશય નથી. મહિલાઓને કમર-પેટમાં દુખાવો, થાક અને પિરિયડ્સ સંબંધિત સમસ્યાઓથી પરેશાન હતી. તબીબે જણાવ્યુ કે ગર્ભાશયને નુકસાન થયું છે. જો તાત્કાલિક દૂર કરવામાં ન આવે તો તેને કેન્સર થઈ શકે છે તેથી ગર્ભાશય કાઢી નંખાયું . મહિલાઓ પાસે કોઇ સમયજ ન રહેતો. તબીબો એટલી હદે ગભરાવી દેતા કે મહીલા તરતજ ઓપરેશન માટે તૈયાર થઈ જતી હતી….
બિહારમાં 46 હજાર મહિલાઓના ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યા દરમિયાન, ઘણા રાજ્યોમાં પણ કોઈ કારણ વગર મહિલાઓના ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યા હતા. છત્તીસગઢમાં આ રેકેટને કારણે હજારો મહિલાઓના ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યા હતા. તો મહારાષ્ટ્રના બીડમાં શેરડીની કાપણી કરનારાઓથી માંડીને ગુજરાતમાં ખેત મજૂર મહિલાઓ અને તેમના પરિવારોને સમજાવવામાં આવ્યા હતા કે તેઓને બાળકો થયા હોવાથી હવે ગર્ભાશય રાખવાની જરૂર નથી. તેથી ગર્ભાશય કાઢી નાખવામા આવ્યા હતા.
જ્યારે આ કિસ્સાઓ સામે આવ્યા ત્યારે એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આ મહિલાઓએ સ્વેચ્છાએ પોતાનું ગર્ભાશય કાઢી નાખ્યું છે જેથી પિરિયડ્સ બંધ થઈ જાય અને તેઓ કામ કરી શકે. બીડમાં મહિલાઓ માટે કામ કરતી સંસ્થા જાગર પ્રતિષ્ઠાનની પ્રમુખ મનીષા ટોકલે કહે છે, ‘મહિલાઓ તેમના ગર્ભાશયને કાઢી નાખવા માગે છે તે કહેવું ખોટું છે. આ મહિલાઓને એ પણ ખબર નથી હોતી કે ગર્ભાશય ક્યારે કાઢી નાખવું જોઈએ અને ક્યારે નહીં, તેના શું ગેરફાયદા હોઈ શકે છે.
ગર્ભાશય ગુમાવનાર મોટાભાગની મહિલાઓ ગરીબ અને દલિત પરિવારોની છે. 10મા ધોરણ સુધી ભણેલી મહિલાની આવી છેતરપિંડીમાં ફસાઈ જવાની 53 ટકા શક્યતા છે. બિનજરૂરી હિસ્ટરેકટમી પણ નસબંધી સાથે જોડાયેલી છે. નસબંધી પછી કેટલીક સ્ત્રીઓના પિરિયડ્સ અનિયમિત થઈ જાય છે. પછી તે સારવાર માટે જાય છે, જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવે છે.
2008માં શરૂ થયેલી ‘નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ’માં સૌથી વધુ દાવા હિસ્ટરેકટમી માટે કરવામાં આવ્યા હતા. જ્યારે ‘આયુષ્માન ભારત યોજના’માં પણ આવા દાવાઓ વધવા લાગ્યા ત્યારે સરકારે નિયમો કડક કર્યા. ખાનગી હોસ્પિટલોમાં ગર્ભાશય કાઢવાના ખર્ચના દાવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે મહિલાઓ પાસે વીમો નથી, તેમના ઓપરેશન પછી પણ મોટી રકમ વસૂલ કરવામાં આવે છે.હિસ્ટરેકટમી કરાવતી મહિલાઓની સરેરાશ ઉંમર 2015-16માં 34 વર્ષ હતી, જે 2019-21માં વધીને 34.6 વર્ષ થઈ ગઈ છે. જ્યારે અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં સરેરાશ 44-59 વર્ષની ઉંમરે મહિલાઓનું ગર્ભાશય કાઢી નાખવામાં આવે છે. આટલી ઉંમર સુધીમાં એમનો મેનોપોઝ થઈ ગયો હશે…..