Published By: Aarti Machhi
અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ ખાતે રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ સ્થળે નાગના વસવાટને લઇ નાગાતીર્થ નામ પડયુ છે. આ તીર્થ અંગે નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાગા તીર્થ એટલે કે નૌગામ રોકડીયા હનુમાનજી શંકર ભગવાનના પરમ ભક્ત હતા. ભગવાન શિવના પરમ ભક્ત એવા ઢુંઢુંમ્બર નાગ મંદિર સ્થિત તપ કરતા હતા.

એમ પણ કહેવાય છે કે સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવના ભક્ત એવા ઢુંઢુંમ્બર નાગે આ સ્થળે તપ કર્યું હતું. આ પાછળ એક કથા એવી પણ રહેલી છે કે એક સમય પર સૃષ્ટિ પર તમામ વિષધરના નાશ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ. તે સમયે શંકર ભગવાને પોતાના પરમ ભક્ત એવા ઢુંઢુંમ્બર નાગની તપસ્યા ભંગ ન થાય અને તેની રક્ષા કરવા માટે રુદ્ર અવતાર એવા ભગવાન હનુમાનજીને મોકલ્યા હતા. ત્યારબાદ ભગવાન હનુમાનજી આ સ્થળે ઢુંઢુંમ્બર નાગ સાથે બિરાજમાન થયા હતા. ત્યારથી આ સ્થળ રોકડીયા હનુમાનજી તરીકે પ્રચલિત બન્યુ છે.


નાગા તીર્થએ નૌગામા ગામના નામ સાથે પણ જોડાયેલું છે. આ મંદિરની સાથે જ બાજુમાં જ શનિદેવનું મંદિર પણ આવેલું છે. જ્યાં ભક્તો દર્શન કરી અહીંયા પનોતી ઉતારે છે. તો મંદિરમાં હાલ ભગવાન શિવ ચંદ્રમોલેશ્વર તરીકે બિરાજમાન છે.


રામાયણ સમયમાં તરતો પથ્થર કે જેના પર ભગવાન રામનું નામ લખતા હતા તે પણ અહીં છે. હનુમાન જયંતી અને શનિવારના દિવસે અહીં ભકતોનું ઘોડાપુર ઉમટી પડે છે.