Published by : Anu Shukla
- સાંસદ મનસુખભાઇ વસાવા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ.
- જે દેશમાં શિક્ષણ અને સંસ્કાર શ્રેષ્ઠ હોય તે દેશ અવશ્ય વિકાસ કરે છે. મનસુખભાઇ વસાવા, સાંસદ, ભરૂચ.
જે દેશમાં શિક્ષણ અને સંસ્કાર શ્રેષ્ઠ હોય તે દેશ અવશ્ય વિકાસ કરે છે તેમ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ નારાયણ વિદ્યાલય ખાતે આયોજિત વિવિધ વિષયો આધારિત ત્રિદિવસીય પ્રોજેકટ પ્રદર્શન કાર્યક્રમ જ્ઞાનોત્સવના સમાપન સમારોહમાં બાળકો, વાલીઓ અને શિક્ષકોને સંબોધિત કરતા કહ્યું હતું.
ભરૂચના નારાયણ નગર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે ત્રિદિવસીય પ્રોજેકટ પ્રદર્શન કાર્યક્રમ ટોજાયો હતો. જેના સમાપન સમારોહમાં સાંસદ મનસુખભાઇ વસાવા, ભરૂચના ધારાસભ્ય રેમેશભાઈ મિસ્ત્રી, બિલ્ડર જે.ડી. પંચાલ, ટ્રસ્ટી હેમંતભાઈ પંચાલ, વોર્ડના નગરસેવકો, અને ભાજપ તથા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમાપન સમારોહમાં સાંસદ મનસુખભાઇ વસાવાએ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ટ્રસ્ટના કર્ણધાર તથા અગ્રણી બિલ્ડર જે.ડી.પંચાલ તથા હેમંતભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જ્ઞાનોત્સવની સરાહના કરતા કહ્યું હતું કે આપણે શ્રેષ્ઠ સાંસ્કૃતિક વારસો ધરાવીએ છીએ. શિક્ષણ માણસને શ્રેષ્ઠતા આપે છે. નારાયણ વિદ્યાલયે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને બહાર લાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે.
તેમણે શાળાના સંચાલકો અને શિક્ષકોની સરાહના કરતા કહ્યું હતું કે કોઈકનું ઘડતર કરવા જેવી બીજી કોઈ ભક્તિ નથી. ભરૂચ જિલ્લાનાં ઉદ્યોગોમાં કી પોસ્ટ પર ગુજરાતી હોય તેવું સ્વપ્ન હોવાનું જણાવી સાંસદે ગુજરાતમાં યુપીએસસીની પરીક્ષાઓ માટે શાળાઓમાં તાલીમ આપવા પર ભાર મુક્યો હતો. દેશને સમૃદ્ધ બનાવવા આત્મનિર્ભરતા જરૂરી હોવાનું જણાવી આ કાર્ય શિક્ષણના જ માધ્યમથી થઈ શકે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પણ જ્ઞાનોત્સવની સરાહના કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.
સાંસદ મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા અગ્રણી બિલ્ડર જે.ડી. પંચાલ સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રોજેકટ નિહાળી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.