ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના નાસિકમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ખાનગી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જે બાદ બસમાં આગ લાગી હતી. આ રોડ અકસ્માતમાં 11 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થયો હતો. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી.
અકસ્માતના એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, ‘આ અકસ્માત મારા ઘરની સામે થયો હતો. ટ્રક અહીં ઉભી હતી, ટક્કર બાદ બસમાં આગ લાગી હતી. બસ સંપૂર્ણ આગનો ગોળો બની ગઈ હતી. આવી સ્થિતિમાં ઘણા લોકોને બસમાંથી બહાર નીકળવાની તક મળી ન હતી. આગ એટલી વિકરાળ હતી કે અમે સામે ઊભા હતા, પણ કંઈ કરી શક્યા નહીં. થોડીવાર બાદ પોલીસ અને ફાયર બ્રિગેડે આવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

માર્ગ અકસ્માત અંગે નાશિક પોલીસે આપેલી માહિતી મુજબ, અકસ્માત શનિવારે સવારે લગભગ 5 વાગ્યે ઔરંગાબાદ રોડ પર થયો હતો. એક ખાનગી બસ ટ્રક કન્ટેનર સાથે અથડાઈ હતી, જે બાદ બસમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે જ સમયે, તેમણે કહ્યું કે મૃત્યુઆંક વધવાની આશંકા છે, કારણ કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.