નાસાના ઓરિયન અવકાશયાનએ ચંદ્રની સૌથી નજીકની તસવીરો લીધી છે. તેને તાજેતરમાં નાસા દ્વારા તેના સૌથી શક્તિશાળી રોકેટ ‘સ્પેસ લોંચ સિસ્ટમ’ દ્વારા ચંદ્રની પરિક્રમા માટે મોકલવામાં આવ્યું છે. તે આર્ટેમિસ-1 મિશનનો એક ભાગ છે. જે નાસાના માનવસહિત ચંદ્ર મિશન ‘આર્ટેમિસ’નો પ્રથમ તબક્કો છે.
ચંદ્રનો ફોટો ઓરિઅનની ઓપ્ટિકલ નેવિગેશન સિસ્ટમ દ્વારા લેવામાં આવ્યો હતો. નાસાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અનુસાર, આ સિસ્ટમ અલગ-અલગ અંતર અને સ્થાનો પરથી પૃથ્વી અને ચંદ્રની તસવીરો કેપ્ચર કરે છે. આ રંગીન નથી, પરંતુ કાળા અને સફેદ છે. પોસ્ટમાં ચંદ્રના 4 પ્રદેશોના ફોટો શેર કરવામાં આવ્યા છે. 1975માં એપોલો મિશનના અંત પછી લીધેલા ચંદ્રના આ સૌથી નજીકના ફોટા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 50 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે સ્પેસ કેપ્સ્યુલ ચંદ્રની પરિક્રમા કરી રહી છે. હાલમાં તેમાં કોઈ અવકાશયાત્રી મોકલવામાં આવ્યા નથી. આ મિશન 25 દિવસ, 11 કલાક અને 36 મિનિટનું છે, જે પછી તે 11 ડિસેમ્બરે પેસિફિક મહાસાગરમાં નીચે જશે. અવકાશયાન કુલ 20 લાખ 92 હજાર 147 કિલોમીટરનું અંતર કાપશે.