Published By:-Bhavika Sasiya
- છ મહિનાથી મંજુર થયેલ માર્ગની કામગીરી એક તરફ કરી કામગીરી વરસાદને પગલે અધુરી મુકતા લોકોમાં રોષ
- વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરાઈ
નેત્રંગ ગામના ચાર રસ્તાથી જવાહર બજારને જોડતા માર્ગ ઉપર એક તરફ કરી કામગીરી વરસાદને પગલે અધુરી મુકતા કાદવ-કીચડનું સામ્રાજ્ય વધતા લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.

નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા ચાર રસ્તાથી ગ્રામ પંચાયત સુધીના માર્ગ ઉપર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યું હતું જે બાદ રસ્તો બનાવવા માટે અંદાજીત 50 લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવતા ગ્રામ પંચાયત દ્વારા ચાર રસ્તાથી જવાહર બજારને જોડતા માર્ગ ઉપર કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ એક તરફ માર્ગની કામગીરી કરવામાં આવી છે જયારે બીજી તરફની કામગીરી અધુરી મૂકી દેવામાં આવતા ચોમાસાની સિઝનમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય વધ્યું છે જેને પગલે રાહદારીઓ અને સ્થાનિક દુકાનદારો હેરાન પરેશાન બન્યા છે ત્યારે કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરવા છતાં કામગીરી અધુરી મુકાતા વાહન ચાલકો અને દુકાનદારોને તકલીફ પડી રહી છે સાથે કોન્ટ્રાક્ટર અને ગ્રામ પંચાયતને પાપે લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા તમામ દબાણો દુર કરવા સાથે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરી છે જયારે ગ્રામ પંચાયત દ્વારા ચોમાસાની સીઝનને પગલે કામગીરી અધુરી મૂકી હોવાનો લૂલો બચાવ કરતો લેટર બહાર પાડ્યો છે.