Published By:-Bhavika Sasiya
- પોલીસે 33 લાખથી વધુના મુદ્દામાલ સાથે પાંચ બુટલેગરોને ઝડપી પાડ્યા.
નેત્રંગ પોલીસે થવા ચેકપોસ્ટ અને લાલ મંટોડી પાસેથી બે વૈભવી કારમાં ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ચાર લાખનો વિદેશી દારૂ મળી કુલ ૩૩ લાખના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, દેડિયાપાડા તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી કાર નંબર-એમ.એચ.04.ઈ.એચ.5150 ત્રણ ઈસમો નેત્રંગ આવી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે થવા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાંથી વિદેશી દારૂની 1576 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1.88 લાખનો દારૂ અને ત્રણ ફોન તેમજ 25 લાખની કાર મળી કુલ 26.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
અંકલેશ્વરના નવા ગામ કરારવેલ ગામના મંદિર ફળિયામાં રહેતો માનીશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવા, માસુમ ફિરોજ વસાવા અને આશિક સૌકત લાખાણીને ઝડપી પાડ્યો હતો. જયારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર કુખ્યાત બુટલેગર સતીશ ઉર્ફે ગંદો ચંદુ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
તો આવી જ રીતે નેત્રંગ પોલીસે દેડિયાપાડા-નેત્રંગ માર્ગ ઉપર લાલ મંટોડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન કાર નંબર-જી.જે.15.સી.એચ.8415 આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા બે ઈસમો તેમાંથી ઉતરી ભાગવા જતા પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 398 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ₹2.39 લાખનો દારૂ અને કાર મળી કુલ 10.36 લાખનો દારૂ કબજે કર્યો હતો. ઉદયપુરના મંગરા સેન્ટ્રલ જેલ પાસે રહેતો પીયુષ દિલીપ શીવલાલજી રાવ અને પરમજીતસિંઘ રાઠોડને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.