પૂજા પટેલ નેશનલ ગેમ્સમાં યોગાસનમાં ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ એથ્લીટ બની છે. યોગાસનનું નેશનલ ગેમ્સમાં પ્રથમ વાર આયોજન થઇ રહ્યું છે.પૂજા પટેલે ટ્રેડીશનલ યોગાસન વર્ગમાં સુવર્ણ પદક જીત્યો હતો. ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામની પૂજા પટેલે 9 વર્ષની બાળ આયુથી જ પોતાના જીવનમાં યોગાસનનો સમાવેશ કરી દીધો હતો. પૂજા પટેલે અનેક વાર દેશમાં મહેસાણા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પૂજાએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ અનેક મેડલ પોતાના નામે કર્યા છે. યોગાસનનું અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને 6 ઓક્ટોબરથી શરૂ થયેલ યોગાસન 11 ઓક્ટોબર સુધી ચાલશે.

યોગાસનની રમતનો આ વર્ષે પ્રથમ વાર નેશનલ ગેમ્સમાં આયોજન થઇ રહ્યું છે. તેથી ગુજરાતની પૂજા પટેલે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ટ્રેડીશનલ યોગાસનમાં ગુજરાતની પૂજા પટેલે 62.46 નો સ્કોર કર્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહારાષ્ટ્રની છકુલી બંસીલાલ સેલોકરે 62.34 ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો અને કર્ણાટકની નિર્મલા સુભાષ કોડીલકરે 60.58 ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.