Published by : Vanshika Gor
ભારતની ટોચની મહિલા એથ્લીટ દુતી ચંદના ડોપ ટેસ્ટમાં પ્રતિબંધિ ડ્રગની હાજરીનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેને તત્કાળ અસરથી કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ગોલ્ડ તેમજ ગત એશિયન ગેમ્સમાં ડબલ સિલ્વર જીતનારી દુતી ચંદ હવે આ વર્ષે યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે અનિશ્ચિત બની ગઈ છે. દુતી ૧૦૦ મીટર દોડમાં નેશનલ રેકોર્ડ પણ ધરાવે છે.
છેલ્લા બે ઓલિમ્પિકમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરી ચૂકેલી ૨૬ વર્ષની દુતી ચંદનો આઉટ ઓફ કોમ્પિટીશન ટેસ્ટ પાંચમી ડિસેમ્બરે લેવામાં આવ્યો હતો. જેમાં એન્ડારિન અને ઓસ્ટારિન ડ્રગ મળી આવ્યું હતુ. આ ડ્રગને વર્લ્ડ એન્ટી ડોપિંગ એેજન્સીએ પ્રતિબંધિત કર્યું છેે. જેના થકી ખેલાડીની માંસપેશીઓ વધુ મજબુત બને છે અને તેના થકી તેના પ્રદર્શનમાં સુધારો થાય છે.
દુતી હવે તેના બી સેમ્પલની ચકાસણી માટે અપીલ કરી શકશે. જો તેનો બી સેમ્પલનો રિપોર્ટ પણ પોઝિટીવ આવશે તો તેના પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. નોંધપાત્ર છે કે, ગત વર્ષે જ ભારતની ટોચની એથ્લીટ્સ એસ. ધનલક્ષ્મી, એમ.વી. જિલ્ના અને યુવા સ્પ્રિન્ટર તરનજીત કૌરના ડોપ ટેસ્ટ પોઝિટીવ આવી ચૂક્યા છે, ત્યારે દુતીનો પોઝિટીવ ટેસ્ટ ભારત માટે ફટકા સમાન છે.