નોઈડામાં સોસાયટીના ગાર્ડ્સ અને રહીશો વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો હતો હંગામો તેમજ મારપીટની ઘટના સામે આવી છે. નોઈડાના સેક્ટર 78માં આવેલી હાઈડ પાર્ક સોસાયટીમાં ગત ગુરુવારની રાતે ભારે ઘર્ષણ થયું હતું. એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનની ચૂંટણીને લઈને છેલ્લા કેટલાય સમયથી સોસાયટીના રહીશો વચ્ચે બે જૂથ પડી ગયા હતા. અગાઉ એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનમાં જે સભ્યો સામેલ હતા, તેમણે ચૂંટણી વગર જ પોતાને નવી ટર્મ માટે વિજેતા જાહેર કરી દિધાનો આક્ષેપ કરવામાં આવી રહયો છે. જેમના વિરોધમાં એક જૂથ સોસાયટીમાં મિટિંગ કરી રહ્યું હતુ. આ જ સમયે સોસાયટીના ગાર્ડ ત્યાં આવી પહોંચ્યા. શરૂઆતમાં સોસાયટીના રહીશો અને ગાર્ડ્સ વચ્ચે બોલાચાલી થઈ અને પછી મામલો મારપીટ સુધી પહોંચી ગયો હતો.
નોઈડાની સોસાયટીના એક જૂથ પર જ ગાર્ડ્સ દ્વારા મારપીટ કરાવવાનો આરોપ કરાઇ રહયો છે.સોસાયટીના રહીશો અને ગાર્ડ્સ વચ્ચે થયેલા ઘર્ષણમાં બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. તેમનો આરોપ છે કે જે જૂથે પોતાને એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનની નવી ટર્મ માટે વિજેતા જાહેર કર્યા છે, તેમણે જ ગાર્ડ્સને વિરોધી જૂથ સાથે મારપીટ કરવા કહ્યું હતું. આ ઘટનાક્રમ બાદ નોઈડાના સેક્ટર 113ના પોલીસ સ્ટેશનમાં ગાર્ડ્સ અને એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનના સભ્યો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે મારપીટના આરોપમાં બે ગાર્ડ્સની ધરપકડ કરી છે. વિવાદ બાદ સોસાયટીએ સિક્યોરિટી એજન્સી પણ બદલી નાખવી પડી હતી.