Published By : Parul Patel
દેશમાં સૌથી વધુ પગાર મહારાષ્ટ્રના સોલાપુરમાં ચૂકવાય છે. જુલાઈ 2023 ના સર્વે અનુસાર, દિલ્હી, મુંબઈ, પુણે, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા એ ગ્રેડના શહેરોને પાછળ છોડીને મહારાષ્ટ્રનું બી ગ્રેડનુ શહેર સોલાપુર દેશમાં સૌથી વધુ સરેરાશ વાર્ષિક પગાર પેકેજ ધરાવે છે. સર્વે અનુસાર, મહારાષ્ટ્રના સોલાપુરમાં વાર્ષિક સરેરાશ પગાર 28,10,000 રૂપિયા પ્રતિ વર્ષ કરતાં વધુ છે. ઉપરાંત, 21.17 લાખ રૂપિયાના સરેરાશ વાર્ષિક પગાર સાથે બીજા ક્રમે મુંબઈ અને 21.01 લાખ રૂપિયાના સરેરાશ વેતન સાથે બેંગલુરુ ત્રીજા ક્રમે હતું.
જ્યારે દેશમાં રાજ્યની દ્રષ્ટિએ ઉત્તરપ્રદેશ સૌથી વધુ સરેરાશ વાર્ષિક પગાર સાથે સૌથી આગળ છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળ આવે છે. આ સિવાય જુલાઈ 2023માં બહાર પાડવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે ભારતમાં સૌથી સામાન્ય વાર્ષિક પગાર રૂ. 5 લાખથી થોડો વધારે છે, જ્યારે સમગ્ર દેશની સરેરાશની ગણતરી કરીએ તો વાર્ષિક પગાર રૂ. 18.91 લાખની આસપાસ છે.
દેશમા મહિલાઓ અને પુરૂષોના પગારમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, પુરુષોને સરેરાશ 19,53,055 રૂપિયાનો પગાર મળે છે, જ્યારે મહિલાઓને સરેરાશ 15,16,296 રૂપિયાનો પગાર મળે છે. ભારતમાં સૌથી વધુ પગાર આપતો વ્યવસાય મેનેજમેન્ટ અને વ્યાપારી ઉદ્યોગોમાં છે, જ્યાં વાર્ષિક સરેરાશ વેતન રૂ. 29.50 લાખથી વધુ છે. બીજો સૌથી વધુ પગાર આપતો વ્યવસાય કાયદો છે, જ્યાં વાર્ષિક સરેરાશ પગાર આશરે રૂ. 27 લાખ છે.