- નેતાઓને એક્ટ્રેસેસના કપડાં જોવામાંથી જ ફુરસદ નથી કહ્યું સ્વરા ભાસ્કરે….. જ્યારે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પણ આક્રોશ વ્યકત કર્યો…
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આવનાર ફિલ્મ પઠાણને લઈને મધ્યપ્રદેશમાં વિવાદ વધી રહ્યો છે. આ વિવાદમાં હવે એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની એન્ટ્રી થઈ છે. સ્વરાએ ટ્વિટ કરીને સત્તા પક્ષના નેતાઓ પર નિશાન સાધ્યું છે. બીજી તરફ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું- આવા એક્ટર-એક્ટ્રેસની ફિલ્મ ન જોવી જોઈએ, જે ભગવાને બેશરમ કહે છે.
પઠાણ ફિલ્મમાં ભગવા મામલે વિવાદમાં સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘હું જનતાને અપીલ કરું છું કે ભગવાને બેશરમ કહેનારા આવા હીરો-હીરોઈનને જવાબ આપો. તેમના પેટ પર લાત મારો. તેમની કોઈપણ ફિલ્મ જોશો નહીં. તેમના પેટમાં લાત મારતા જ તેઓ અહીંથી ભાગી જશે. જો તમે સાચા હિંદુ છો, જો તમારી અંદર હિન્દુનું લોહી છે, તો આ ફિલ્મ ક્યારેય ન જુઓ.
ભગવાનું અપમાન કરનારને ભાજપ અને અમારી જનતાએ જડબાતોડ જવાબ આપ્યો છે. હવે જો કોઈ ભગવાનું અપમાન કરે તો તે જડબાતોડ જવાબ નહીં, પણ મોઢું તોડીને હાથમાં આપવાની હિંમત રાખીએ છે. અને એટલા માટે રાખીએ છે કારણ કે સનાતની જીવિત છે. ભગવા આપણા દેશનું ગૌરવ છે. જો આપણા દેશ, આપણી ભગવા અને સંસ્કૃતિને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો કોઈને બક્ષવામાં આવશે નહીં. જરૂર પડશે તો આંદોલન દ્વારા આવા લોકોને જવાબ આપીશું. તે સાથે
પઠાણ ફિલ્મના વિરોધમાં જબલપુરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ જબલપુરના પર્યટન સ્થળ ભેડાઘાટ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભેડાઘાટના પંચવટી અને બાયપાસમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ સૌપ્રથમ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. ત્યારબાદ પોલીસને એક અરજી આપી માગ કરી કે ભવિષ્યમાં શાહરૂખની કોઈ પણ ફિલ્મને જબલપુરમાં શૂટ કરવા દેવામાં ન આવે. બીજી તરફ ભોપાલમાં પણ હિન્દુવાદી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મધ્યપ્રદેશના ચર્ચિત IAS નિયાઝ ખાને પણ ટ્વીટ કરીને ફિલ્મ પઠાણને લઈને નારાજગી વ્યક્ત કરી છે. નિયાઝ ખાને ટ્વિટર પર જણાવ્યુ છે કે પઠાણ શબ્દ ખૂબ જ પવિત્ર છે અને આમાં ડ્રેસ પર ભાર મૂકવામાં આવ્યો છે. પઠાણો હંમેશા પહેરવેશને લઈને ખૂબ જ સંવેદનશીલ રહ્યા છે. પઠાણ ફિલ્મના ગીતમાં નકાબ અથવા બૂર્કાની પણ ઝલક જોવા મળતી નથી. તેના બદલે રંગબેરંગી બિકીની જોવા મળી રહી છે. મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે અભિનેત્રીનું ડ્રેસિંગ અને દ્રશ્યો બદલવા જોઈએ, અન્યથા ફિલ્મને મધ્યપ્રદેશમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવે કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગોવિંદ સિંહે કહ્યું- ફિલ્મના દ્રશ્યો અભદ્ર અને ગંદા છે. સ્વરાના ટ્વીટને આની સાથે જોડવામાં આવી રહ્યું છે.
પઠાણ ફિલ્મ આગામી 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તેનું ટીઝર એક મહિના પહેલાં આવ્યું હતું. તાજેતરમાં તેનું પહેલું ગીત ‘બેશરમ રંગ…’ રિલીઝ થયું છે. આમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે શાહરૂખ સાથે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા છે. આ ગીતમાં દીપિકા ભગવા રંગની બોલ્ડ બિકીની પહેરેલી જોવા મળી રહી છે, જેના કારણે ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે.