બ્લોગ : ઋષિ દવે
Published By : Aarti Machhi
મારી ઉંમર પાંચ સાત વર્ષની. ગામ લોકો નવરાત્રીમાં રામલીલા ભજવે. હું ધીંગ ધીંગાણું ગાઉ. એ મને કંઠસ્થ. રામલીલામાં મારુ ગાયેલું ધીંગ ધીંગાણું બંધબેસે કેવી રીતે? ઉપાય સૂઝયો. સીતા સ્વયંવરમાં શિવધનુષ ભંગ કરવા રાજાઓ આવે એમા મને ગોઠવી દીધો. મારો વારો આવે એટલે મારે કહેવાનું હું ધનુષ ભંગ કરવા નથી આવ્યો, મને તો કવિતા કહેતા આવડે, તમે રજા આપો તો કવિતા લલકારું. મને ચાન્સ મળ્યો અને મેં ધીંગ ધીંગાણું લલકાર્યુ. એ પછી એકપાત્રીય ભજવતો, લખતો, નાટકોમાં ભાગ લેતો. ધીમે ધીમે મારા સાથી કલાકારોને ભાન થયું કે આમાં ભલીવાર નથી. એ બધા નોકરીએ લાગ્યા. હું તો પહોંચી ગયો પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ પાસે. એમના પગ પકડી લીધા. મને આપની સાથે કાર્યક્રમમાં લઈ જાવ. આપની સાથે જ્યાં જશો ત્યાં આવીશ, ગાડી ભાડું પણ તમારે આપવાનું નહિં. આપ કાર્યક્રમ આપો ત્યારે વચમાં બે ઘડી પોરો ખાવ ત્યારે માઈક આપજો. એમના હાથે મને એક બે કાર્યક્રમમાં ઇનામ મળેલા એટલે મને નામથી જાણે. એમણે હકાર માથું હણાવ્યું.
થોડા દિવસ વીતી ગયા ને એમનો સંદેશો આવ્યો મારે સાથે મુંબઈ આવવાનું છે. હર્ષદ મહેતાના માનમાં કાર્યક્રમ ગોઠવાણો છે. હું તો રાજીનો રેડ. પહોંચ્યો એમની સાથે. બિરલા ક્રીડાંગણમાં કાર્યક્રમ. શાહબુદ્દીનભાઈ ખીલ્યા. હાસ્યની છોળો ઉડી. મને રજૂ કર્યો. મેં માઈક લીધું. કોઈ હસે નહિં. કોઈ દાંત ન કાઢે. એ.સી. હોલમાં મને પરસેવો વળે. જેમ તેમ કરી હાંકે રાખ્યું. એક પણ તાળી ન પડી. નિરાશ થઈ ગયો. આ મારો સ્ટેજ શો. શાહબુદ્દીનભાઈએ મને ઠપકાર્યો નહિં. વઢયા નહિં. બરડા પર હાથ ફેરવી કહે, હશે! નિષ્ફળતા જ સફળતાની સીડી છે. અને મને મૌલિક વિચાર આવ્યો ભૌતિકવાદ હર્ષદ મહેતા પેદા કરે, અધ્યાત્મવાદ નરસિંહ મહેતા બનાવે.
મેં વિચાર્યું સંવાદો કંઠસ્થ કરવા, રિહર્સલ કરીને પ્રેક્ષકોની નાટકમાં દાદ મેળવવી સહેલી છે પણ માઈક સામે પલાઠી મારી બેસી પ્રેક્ષકોને હસાવવા માટે કઠોર પરિશ્રમ કરે જ છૂટકો છે. મેં મનમાં ગાંઠ વાળી. રૂપિયાની ત્રણ ઝેરોક્ષ કાઢી આપું ત્યારે આવેલા ઘરાકને પૂછું થોડો સમય છે, અડધી ચા પીએ, એક જોક સંભળાવું. નવરી બજાર જેવા બે ચા પી જાય ને કલાક મારો જોક સાંભળે. રાતે પલંગ પર હું બેસું અને તેને કહું સાંભળ, કહી જોક સંભળાવું. ઘરવાળી થાકી. એણે મારી સાસુને કહ્યું તમારા જમાઈ હાસ્ય કલાકાર થઈ ગયા છે. સાસુ કહે એમાં તું શાને મૂંઝાય છે એના બાપામાં પણ એકાદ બે અવગુણ હતા. પડ્યું પાને નિભાવી લેવાનું અને એક’દિ મારો સૂર્યોદય થયો. શાહબુદ્દીનભાઈનો કોલ આવ્યો. મુંબઈ જવાનું છે એક નહીં બે કાર્યક્રમ છે. એક ભાઈદાસમાં બીજો નહેરુ ઓડિટોરિયમમાં. બંદા તો રાજીના રેડ. ત્યારે થાનગઢથી મુંબઈની રીઝર્વેશન સાથે રૂપિયા ૧૨૦ની ટિકિટ. ખાખી લંબચોરસ ટિકિટ પાછળ ટિકિટ ઈશ્યૂ કરનાર પેનથી લખી આપે. S૧૧/૭૨ એટલે એસ અગિયારનો ડબ્બો એમાં ૭૨ નંબરના બર્થ પર સૂવાનું. અમે મુંબઈ પૂગ્યા. ભાઈદાસ પર અમે શાહબુદ્દીનભાઈ રાઠોડ, ડોક્ટર શ્યામ જ્વાલામુખી, સુભાષ કાબરા અને સૌથી નાનો, નવોદિત હું, જગદીશ. કાર્યક્રમમાં નવોદિતનો પહેલો ક્રમ એટલે મારે પહેલા હાસ્યરસ પીરસવાનો. મુંબઈ ભાઈદાસ સભાગૃહનો પડદો ખુલ્યો, એ પડદો ખૂલતો નો’તો મારું તકદીર ખુલતું હતું. મેં મનોમન દેવાધિદેવ મહાદેવ ભોળાનાથને વંદન કરી મારા હાસ્યખજાનાના હીરામોતી વેર્યા… તાળીઓના ગડગડાટ. પ્રેક્ષકોએ મને ખૂબ વધાવ્યો. કાર્યક્રમ પત્યો. બધાની સાથે મને કવર મળ્યું. એમાં કેટલા હશે એ જાણવાની ચળ. બધા વચ્ચે તો કવર ફોડાય નહીં. એટલે નો’તી લાગી છતાં બાથરૂમ તરફ દોડ્યો. કવર ખોલ્યું. રૂપિયા ૧૫૦૦. હું રૂપિયાની ત્રણ કોપી ઝેરોક્ષ કાઢું તો મહિને રૂપિયા ૫૦૦૦ મળે, આજે એક દિવસમાં રૂપિયા ૧૫૦૦. હજુ બીજો કાર્યક્રમ તો બાકી હતો. ઘરવાળીને ફોન કર્યો. વધામણા ખાધા.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-26-at-17.30.13.jpeg)
નહેરુ ઓડિટોરિયમના કાર્યક્રમમાં અમારી સાથે મેહુલ, વસંતપરેશ. પ્રેક્ષકોમાં પહેલી હરોળમાં મનહર ઉધાસ, પદ્મારાણી. મનહરભાઈએ કહ્યું ‘સારું બોલ્યા’. કવર મળ્યું રૂપિયા ૧૫૦૦. મને બે કાર્યક્રમના રૂપિયા ૩૦૦૦ મળ્યાં. એથી વધુ આનંદ હતો. કલાકાર તરીકે મને પ્રેક્ષકોએ સ્વીકાર્યો. ૧૯૯૩થી ૨૦૨૪, ૩૧ વર્ષથી હાસ્ય કલાકાર તરીકે ૨૫થી વધુ દેશોમાં કાર્યક્રમ આપ્યા છે. ૨૫૦ પુસ્તકો લખ્યા છે. સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદે મારા પુસ્તકોને પારિતોષિક આપ્યા છે.
જિંદગીમાં મેં એક દિવસ પણ નોકરી કરી નથી. ઘણા લોકો એમ માને છે કે હું શિક્ષક છું. હું લોકશિક્ષણાર્થી છું. શિક્ષકો પ્રત્યે મને અનહદ પ્રેમ છે. કહેવાય છે ને ડોક્ટર એ ઈશ્વરના દૂત તરીકે આવે છે. એમનો વ્યવસાય પ્રથમ સ્થાને છે. પણ હું એક ડગલું આગળ વિચારું છું. ૧૦૦ ડોક્ટરો મળીને એક શિક્ષકને જીવાડે પણ બનાવી શકતા નથી ત્યારે એક શિક્ષક ૧૦૦ ડોક્ટર બનાવી શકે છે. એ રાષ્ટ્રપતિ બનાવી શકે, પાયલોટ, સી.એ., એન્જિનિયર, શિક્ષક બનાવી શકે છે. જ્યારે શિક્ષકને ત્રણ સ્વરૂપોમાં કર્તવ્ય બજાવવાનું છે. પહેલું શિલ્પકાર. પથ્થરમાં પ્રતિમા છુપાયેલી છે, શિલ્પકાર હથોડી અને છીણી વડે પથ્થરમાંથી બિનજરૂરી ભાગને દૂર કરે છે એમાં છુપાયેલી પ્રતિમા કંડારે છે એમ વિદ્યાર્થીની શુષુપ્ત શક્તિને બહાર લાવવાની છે. એ માટે એને ભણાવવાનો નથી, ભણવાનો છે. ભણાવવું એટલે તમારા જેવા બનાવવો, ભણવો એટલે એના જેવા બનવું છે. એવો બનાવવામાં માર્ગદર્શન આપવું.
બીજું દાયણ બનો. ગર્ભમાં બાળકે આકાર લીધો છે, દાયણ એને સમયસર સલામત રીતે પ્રસુતિ કરાવી બહાર લાવે છે, અને માતા એને પોષણ આપી મોટું કરે છે.
ત્રીજું છે પ્રજાપતિ બનવાનું. કુંભાર ઘડાને એક હાથે ટીપે છે, ત્યારે બીજો હાથ ઘડાની અંદર રાખે છે. ત્યારે એમાં પોચો પદાર્થ છે જે એને ટેકો આપે છે આ ટેકો આપવાનું કામ શિક્ષકનું છે.
વિદ્યાર્થીને ક્યારે મરાય નહીં. સરકારી પરિપત્ર પ્રમાણે એને અડાય પણ નહીં. અમારા જમાનામાં શિક્ષક કે વાલી ઢીબી નાખતા. ઘરમાં મારે એનાથી સંતોષ ના થાય તો શેરીની વચ્ચોવચ લાવે ધીબે. પડોશી ફ્રી હોય તો એ પણ હાથ સાફ કરે. એમાં પણ એમનો પ્રેમ હતો, ખોટે રસ્તે જતા અટકી જતા.
શિક્ષકનું કર્તવ્ય છે સમાજમાં સુંદર નાગરિક આપવાનું જેનું પોતે ગૌરવ લઈ શકે. અલીયાપાડા વિદ્યાપીઠમાં ડોલરરાય માંકડ. જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ વાઈસચાન્સેલર હતા. સૌ એમને ડોક્ટરકાકા તરીકે ઓળખે. એકવાર વર્ગખંડમાં ભણાવતા હતા ત્યારે એક છોકરાએ આંગળી ઊંચી કરી એના પેટમાં દુ:ખે છે એટલે ઘરે જવાની રજા માંગી. ડોકટરકાકાએ આપી. એ છોકરાની પાટલી પર બાજુમાં બેઠેલા છોકરાએ થોડીવાર રહીને ડોકટરકાકાને કહ્યું, સાહેબ એના પેટમાં દુ:ખતું નથી, એ ખોટું બોલી તમારી પાસેથી રજા લઈ ગયો. એ તમને છેતરી ગયો. ત્યારે માંકડસાહેબે જે જવાબ આપ્યો એ મને એટલો બધો સ્પર્શી ગયો છે કે જયારે પણ શિક્ષકો સાથે વાત કરવાની હોય ત્યારે હું કહુ જ છું. એણે મને છેતર્યો છે પણ મેં એને નથી છેતર્યો. શિક્ષકનું કર્તવ્ય છે એ સપનામાં પણ ક્યારેય કોઈને છેતરી ન શકે.
મોહનલાલ માસ્ટરને સપનું આવ્યું એ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ગાડીમાંથી ઉતર્યા. સફેદ ધોતિયું, કાળા ચશ્મા, કાળી ટોપી, સફેદ દૂધ જેવી કફની. જુએ છે તો લીલા ચીટનીસ, મુમતાઝ, વહીદા રહેમાન, નરગીસ દત્ત બધા જ લાઈનબંધ એમને રીસીવ કરવા ઉભા હતા. મુમતાજે તો મોહનલાલનું બાવડું પકડી કહ્યું ચાલો હું લેવા આવી છું, વહીદા કહે આજે મારું શૂટિંગ જોયા વગર જવા નહીં દઉં, નરગીસ કહે સુનિલ સાહેબે મોકલી છે કે મોહનલાલને ઘરે લઈ આવજે ચા-પાણી સાથે કરીશું.મોહનલાલ માસ્ટરે બોલવા માંડ્યું, ‘ આજે મારે રજા નથી, નિશાળે જવાનું મોડું થાય છે. એમ કહેતા જાયને એમના હાથ પહોળા કરતા ગયા તે હાથ ગોદડામાં ભરાયાને આંખ ખુલી ગઈ. ને પોંક મૂકીને રડવા માંડ્યા. એમની બાજુમાં એમનું અડધું અંગ જે પોણા અંગ જેવડું મોટું હતું તે જાગી ગયાને પૂછ્યું હવાર હવારમાં કોણ પૂગી ગયું કે આમ ભેંકણા શાના તાણો છો. આખી વાતનો સાર એ જ છે કે શિક્ષક સપનામાં પણ વિદ્યાર્થી અને શાળાની ચિંતા કરે. એ ક્યારે અભદ્ર કપડાં ન પહેરે, પાનના ગલે ઊભો ન રહે.
સા વિદ્યા યા વિમુકત્યે.
મેડમ મોન્ટેસરી કહેતા હું કઈજ જાણતી નથી. મેં બાળકોને પોતાના બાળક માનીને પ્રેમ આપ્યો છે. જે શિક્ષક વિદ્યાર્થીને પોતાનું બાળક માનીને ચાહી શકે, પ્રેમ આપે તે જ સાચો શિક્ષક. આપણે જોઈએ છીએ કે શાળાએ જવા માટે બાળક રહે છે કેમ કારણ એ જાણે છે કે ત્યાં જઈને મને ભણાવશે. પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ મારા કલાગુરુ. એ કહેતા પાંચ વર્ષનો ગોળમટોળ બાળક વર્ગખંડની બહાર બેઠો હતો. કોકે પૂછું કેમ તને સજા કરી છે કે ક્લાસની બહાર બેસાડ્યો છે. બાળક કહે ના મને સજા કરી નથી અંદર તો શિક્ષક ભણાવે છે.
જે દિવસે શાળાએ જવા માટે વિદ્યાર્થી જીદ કરે, એ રડે કે મને કેમ નિશાળ મોકલતા નથી. એ જ સાચું શિક્ષણ આપની શાળા. વિદ્યાલય બને. મંદિર બને.
એક ઉદ્યોગપતિ પાંચ રૂપિયાની એક બોલપેન બનાવે. એવી ૧૦ હજાર બોલપેન બને એમાંથી એક પણ રિજેક્ટ ન થવી જોઈએ. એટલી ચોકસાઈ રાખે. એને બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ કહેવાય. હવે વિચાર કરો મનુષ્ય નામની પ્રોડક્ટ એને બનાવનાર ઈશ્વર નામનો ઉદ્યોગપતિ એવો એકપણ પીસ બનાવે જે રીજેક્ટ હોય. એકમેકનો સ્વીકાર કરો, પ્રેમ આપશો તો પામશો.
બે શિક્ષક હતા. એક કહે મને રૂપિયા ૩૫ હજારનો પગાર છે હું પંખા વગરની સાયકલ ચલાવી પાંચ ટ્યુશન કરું છું તો બીજા પાંચ હજાર મળે છે. બીજો કહે મારો પગાર પણ રૂપિયા ૩૫ હજાર છે. મને કોઈ ટ્યુશન કર્યા વગર રૂપિયા ૩ હજાર મળે છે. પહેલો પૂછે એ કેવી રીતે ? બીજો કહે નગરશેઠ એના છોકરાને ભણાવવાના રૂપિયા બે હજાર આપે છે અને એનો છોકરો રૂપિયા ૧ હજાર મને નહિં ભણાવવાના આપે છે. આવી કામચોરી કરનાર શિક્ષક નથી.
શાંતિ દુર્લભના ભજનની પંકિત છે. ‘આવ સખી લઉં ઘા કરું નહિ કોઈને’
મિત્રની ઘડિયાળ જોઈ મેં પૂછ્યું ઘડિયાળ બહુ સરસ છે, કેટલાની છે ? એ કહે ખબર નહિં. મેં કહ્યું અલ્યા તે તારા કાંડામાં પહેરી છે ને ખબર નથી. એ કહે હું જ્યારે દુકાનમાં લેવા ગયો ત્યારે કોઈ હતું નહીં એટલે કોને પૂછું?
વર્ષ ૧૯૯૪માં ભારતના રાષ્ટ્રપતિ ડો. શંકર દયાલ શર્મા હતા. એ ઓમાનની સત્તાવાર મુલાકાતે ગયા. મસ્કતના સુલતાન મહંમદ બીન કાબુસ હતા. પ્રોટોકોલ પ્રમાણે સુલતાન સૌથી મોટા એટલે ભારતથી આવતા રાષ્ટ્રપતિને એરપોર્ટ લેવા ના જાય. થયું એવું કે રાષ્ટ્રપતિ આવ્યા ત્યારે સુલતાન મહંમદ બીન કાબુસ જાતે એરપોર્ટ પર ગયા. એટલું જ નહીં વિમાન આવ્યું તો સીડી ચઢીને અંદર ગયા અને ડો. શંકર દયાલ શર્માને હાથ પકડીને વિમાનમાંથી બહાર લાવ્યા, વિમાન પાસે ઊભેલી એમની ગાડીમાં બેસાડ્યા અને એમના ડ્રાઇવરને કહ્યું તું બીજી ગાડીમાં પાછળ પાછળ આવ, ઇન્ડિયાથી મારા ગુરુ પધાર્યા છે, હું એમનો શિષ્ય છું. આ ઘડીએ હું સુલતાન નથી, એક શિષ્ય છું, મારા વાલીદે મને પુના ભણવા મોકલ્યો હતો ત્યારે Sharma Was My Professor. કુરાન પણ એ જ શીખવે છે. ગુરુનો આદર સત્કાર કરવો એ જ મારા સંસ્કાર છે.
મહેશભાઈએ મને જ્યારે એમ કહ્યું કે તમારે કર્તવ્યબોધ પર બોલવાનું છે, સામે ઓડિયન્સમાં શિક્ષકો હશે ત્યારે મને બહુ આનંદ થયો. કોકને હાંભળવામાં કેટલી તકલીફ પડતી હોય છે એની આજે એમને ખબર પડશે.
શિક્ષક હસતો હસાવતો હોવો જોઈએ. શાહબુદ્દીન રાઠોડ એ ‘હાસ્યનો બગીચો’ માં એક વાત કહી છે. કાર્યક્રમના યોજક મુંબઈથી આમંત્રણ આપવા થાનગઢ આવ્યા. અમારી શાળામાં લાઈનબંધ વર્ગો. એમને પૂછ્યું શાહબુદ્દીનભાઈ ક્યાં મળશે. જવાબ મળ્યો. જે વર્ગમાંથી ખડખડાટ વિદ્યાર્થીઓના હસવાનો અવાજ આવતો હશે એ વર્ગના શિક્ષક શાહબુદ્દીનભાઈ હશે.
જનરલ કર્તવ્ય વિશે કહું તો ૫૦ વર્ષે અર્ધ નિવૃત્તિ લેવી. નાનાભાઈ કે દીકરાને કામકાજ સોંપવું. ૫૦ પછી વન તરફથી ભવન તરફ જવાની ગતિ. ૭૫ વર્ષે સંપૂર્ણ નિવૃત્તિ એમાં ૨૫ થી ૫૦ વર્ષ દરમિયાન પ્રામાણિકપૂર્વક જે એકઠું કર્યું હોય તેનો ૧૦મો ભાગ સમાજસેવા માટે આપવો. મુસ્લિમો પણ આવકના અઢી ટકા જકાત તરીકે જુદા રાખે છે.
જેમણે જીવનમાં આપણને મદદ કરી છે તેનું સ્મરણ રાખી ઋણ અદા કરવું. જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી.
પિતૃઋણ, માતૃઋણ, દેવઋણ, રાષ્ટ્રઋણને વ્યાજ સાથે જ ચૂકવવું.
વકતાનું કર્તવ્ય છે સમયસર વાત પૂરી કરવી. જયહિંદ, વંદે માતરમ, ભારત માતાકી જય.