Published By:-Bhavika Sasiya
દેશ અને રાજયમાં શ્રાવણ માસ અંગે આગોતરી તૈયારી શરૂ થઈ ગઈ છે આ વર્ષે બે શ્રાવણ માસને લઈને સોમનાથ મંદિરે ભક્તો માટે ખાસ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. મંદિરની ધ્વજાનું નિર્માણ કાર્ય મહિલાઓ દ્વારા શરૂ કરી દેવાયુ છે. 21 મીટર લાંબી ધ્વજામાં ત્રિશૂળ અને નંદીને બિરાજમાન કરવામાં આવે છે. સોમનાથ મહાદેવ મંદિરના 155 ફૂટ ઊંચાઈ શિખર પર ધ્વજાને ફરકાવવામાં આવે છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/somnath-dhvja-system-photo-1_1627294677-1.jpg)
છેલ્લા એક દસકા કરતા વધુ સમય બાદ બે શ્રાવણ મહિનાનો વિશેષ સંયોગ આવી રહ્યો છે. આગામી 18 તારીખ અને મંગળવારના દિવસથી અધિક શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારબાદ આવનારા શ્રાવણ માસને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બે શ્રાવણ એટલે કે 60 દિવસ માટેની ધાર્મિક પૂજા અને મંદિરમાં દર્શન માટેનો વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રાવણ માસ દરમિયાન દેશ અને દુનિયાના શિવ ભક્તો સોમેશ્વર મહાદેવની ધજા પૂજાને લઈને વિશેષ ઉત્સાહ દર્શાવતા હોય છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાની શરૂઆત પૂર્વેજ ધ્વજાપુજા માટે જરૂર રહેતી ધ્વજાનું નિર્માણ કાર્ય સ્થાનિક મહિલાઓ દ્વારા શરૂ કરાવી દેવામાં આવ્યું છે. સોમેશ્વર મહાદેવ પર રોપણ કરવામાં આવતી ધ્વજા સનાતન ધર્મની પરંપરા મુજબ તેનું નિર્માણ કરવામાં આવે છે. જે 21 મીટર લાંબી હોય છે. જેમાં ખાસ મહાદેવને પ્રિય ત્રિશૂળ અને નંદીને બિરાજમાન કરવામાં આવતા હોય છે. જેનું સોમનાથ મહાદેવની સાક્ષીએ ધાર્મિક વિધાન મંત્રોચ્ચાર તેમજ શાસ્ત્રોક વિધિથી પૂજન કર્યા બાદ મંદિરના શિખર પર 155 ફૂટની ઊંચાઈ પર ધ્વજાને ફરકાવવામાં આવે છે..