Published By : Patel Shital
- ભારત-પાકિસ્તાન અને સમગ્ર વિશ્વમાં વસતા સિંધી સમાજનું આસ્થાનું કેન્દ્ર ભરૂચનું ભાગાકોટ ખાતે આવેલું ઝૂલેલાલ મંદિર…
- હિન્દુસ્તાનના ભાગલા સમયે વર્ષ 1947માં ઠક્કુર આસનલાલ સાહેબ અખંડ જયોત પાકિસ્તાનના સિંધમાંથી લાવ્યાં હતા…
- ચેટીચાંદ પર્વ અને ઝૂલેલાલ (વરૂણ દેવ ) જન્મ જયંતિની ભરૂચમાં સિંધી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી…
- આયો લાલ ઝૂલેલાલના નાદ સાથે સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી…
ભરૂચના ઐતિહાસિક ભાગાકોટના ઓવારે આવેલું ઝુલેલાલ ભગવાનનું મંદિર જિલ્લા, રાજય તેમજ અન્ય દેશોમાં વસતા સિંધિ સમાજ માટે તિર્થ સ્થાન ગણાય છે. હિન્દુસ્તાનના ભાગલા વખતે સિંધ પાકિસ્તાનથી લવાયેલી અખંડ જ્યોત આજે 76 વર્ષથી અહીં પ્રજ્વલિત છે. ચેટીચાંદ નિમિત્તે ગુરૂવારે ભજન કિર્તન અને જાગરણ સહિતના પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો અને મેળાવડો યોજાયો હતો. ભગવાન ઝૂલેલાલ જયંતિએ ભંડારો અને શહેરમાં નીકળતી શોભાયાત્રા બે વર્ષ બાદ આ વર્ષે ધામધૂમથી નીકળી હતી. શહેર અને જિલ્લામાં સિંધિ સમાજના નૂતનવર્ષ ચેટીચાંદ અને ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિની ઉત્સાહભેર સિંધી સમાજે ઉજવણી કરી હતી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2023/03/PAKISTAN-JYOT-5-1024x576.jpeg)
ઝૂલેલાલ ભગવાનના પ્રતિક શ્રી જ્યોતિસાહેબ અને પૂજ્ય બહેરાણા સાહેબની શોભાયાત્રા ભરૂચ નગરમાં ધામધૂમથી નીકળતી હતી. જે ઝૂલેલાલ મંદિરેથી બળેલી ખો, પુષ્પા બાગ, હાજીખાના, નવાડેરા, ચકલા, સોનેરી મહેલ પહોંચી ત્યાંથી વાહનોમાં ઝાડેશ્વર નર્મદા કિનારે વિસર્જીત થઇ હતી.
આજે ઝૂલેલાલ મંદિરે ઝૂલેલાલની પ્રતિમાની જળ અને જ્યોતથી પૂજાવિધિ કરવામાં આવી હતી. વર્ષ 1947 ની સાલમાં હિન્દુસ્તાનના ભાગલા સમયે સિંધમાંથી ઠક્કુર આસનલાલ સાહેબ અખંડ જ્યોત લાવી ભાગાકોટ ખાતે ઝૂલેલાલ મંદિરની સ્થાપના કરી હતી. જે અખંડ જ્યોત આજે 76 વર્ષે પણ અહી પ્રજવલિત છે. હાલ તેઓના પરિવારના સાંનિધ્યમાં આ ઉત્સવ ઉજવાઈ છે. આ જ્યોતના દર્શન માટે ગુજરાત ઉપરાંત અન્ય રાજયો અને વિદેશમાંથી પણ સિંધિ સમાજના લોકો ઉમટી પડે છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/PAKISTAN-JYOT-6-1024x576.jpeg)
ભરૂચનાં વર્તમાન 26 માં ગાદેશ્વર પૂજય ઠકુર સાંઇ મનીષલાલના સાનિધ્યમાં જળ અને જ્યોતની પૂજા, મેળો, ભંડારો અને શોભાયાત્રા નીકળી હતી. આજે જનોઈ-મુંડન સંસ્કારનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સર્વે સિંધી સમાજનાં ભાઈઓ-બહેનોને ચેટીચાંદની ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.