પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ બાંગ્લાદેશના ઉદય અને ત્યાં ભારતીય સેનાને પાકિસ્તાની સૈનિકોના આત્મસમર્પણને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 1971ના યુદ્ધમાં માત્ર 34,000 પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આવું કહીને તેણે ભારતના એ દાવાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે કે 1971ના યુદ્ધમાં 90,000થી વધુ પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જનરલ બાજવા 29 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમના સ્થાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરને નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. જનરલ બાજવાએ આર્મી ચીફ પદ પરથી નિવૃત્ત થતા પહેલા આ પ્રકારનું નિવેદન આપીને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે.
સંરક્ષણ અને શહીદ દિવસના અવસરે તેમણે કહ્યું કે પૂર્વ પાકિસ્તાન, જે હવે બાંગ્લાદેશ છે, તે લશ્કરી ભૂલોનું પરિણામ નથી. પરંતુ રાજકીય નિષ્ફળતા છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાના 92 હજાર સૈનિકો નહીં પરંતુ 34 હજાર જવાનોએ ભારતીય સેના સામે આત્મસમર્પણ કર્યું હતું. તેમણે કહ્યું કે અન્ય લોકો પાકિસ્તાનના અન્ય વિભાગોના હતા. જેઓ તે સમયે ઢાકામાં હતા, તેમણે આત્મસમર્પણ કર્યું હતું.