કચ્છ સહિત ગુજરાતમાં અને પાડોશી રાજ્યોમાં ગાયોમાં લમ્પી રોગ ફેલાયો છે. ગૌમાતાના ટપોટપ મોત થઇ રહ્યાં છે. હવે આ રોગ પાડોશી પાકિસ્તાનના પણ જુદા-જુદા પ્રાંતોમાં પણ ફેલાયો છે. પરંતુ નાપાક દેશ પાડોશી પાકિસ્તાન પશુઓની આ મહામારીમાં પણ ભારત તરફ આંગળી ચિંધી બદનામ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ગૌવંશમાં ફેલાયેલા લમ્પી રોગને ભારતીય વેરિયન્ટ કહ્યું છે ! પાકિસ્તાનના જવાબદાર અધિકારીઓ આવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
પાકિસ્તાની અધિકારીઓ પાકિસ્તાની ગાયોમાં જોવા મળતા એલએસડી વેરિઅન્ટને ભારતમાંથી આવ્યો હોવાનું ખુલ્લેઆમ કહી રહ્યા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પશુધન અને ડેરી વિભાગના ડીજી સંશોધન અબ્દુલ રહેમાને તાજેતરમાં ત્યાંના માધ્યમોને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં પ્રાણીઓમાં જોવા મળતા એલએસડી વેરિઅન્ટની ઉત્પત્તિ અંગે પરીક્ષણો હાથ ધર્યા છે અને એવું બહાર આવ્યું છે કે તે એ જ પ્રકાર છે જે અગાઉ ભારતમાં મોટા પાયે ફેલાયેલું છે. ભારતમાંથી તેના પ્રસારણની ત્રણ શક્યતાઓ છે. જેમાં વાઇરલ હવામાં મુસાફરી કરી અહીં આવી ગયું હોઇ શકે છે. તેઓએ જણાવ્યું હતું કે સિંધ પ્રાંત ભારતના ગુજરાત, રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. ત્યાંથી આ વાઈરસ પાકિસ્તાનમાં પ્રવેશ્યો હોવાની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.

લમ્પી રોગને રોકવામાં ગુજરાત અને કેન્દ્ર સરકાર નિષ્ફળ : રાજસ્થાન કેબિનેટ મંત્રી સાલેહ મોહમ્મદ
તો ભારતમાં હવે આ રોગ મુદ્દે રાજ્યોના મંત્રી એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે. રાજસ્થાનમાં પણ આ રોગ ફેલાયો છે. ત્યારે રાજસ્થાનના ટોંકમાં ત્યાંની સરકારના કેબિનેટ મંત્રી સાલેહ મોહમ્મદે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે લમ્પી રોગમાં ગુજરાત અને કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઇ છે. કચ્છમાં જો યોગ્ય પગલા ભર્યા હોત તો આ રોગ ફેલાયો ન હોત ! સાલેહ મોહમ્મદે જણાવ્યું હતું કે લમ્પી વાઇરસની શરૂઆત ગુજરાતના કચ્છથી થઈ હતી. જો વાઇરસની અસરકારક રોકથામ થઇ હોત તો વાયરસ ફેલાયો ન હોત.