- હુમલાની તપાસ માટે જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન ટીમ (JIT) બનાવવાનો નિર્દેશ…
પંજાબ પ્રાંતના મુખ્યમંત્રીએ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર થયેલા ઘાતક હુમલાની તપાસના આદેશ આપ્યા છે. પાકિસ્તાનમાં વહેલી ચૂંટણીની માંગણી માટે રાજધાની ઈસ્લામાબાદ સુધી લોંગ માર્ચ પર નીકળેલા ઈમરાન ખાન પર ગુરુવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી છે. ઈમરાન પરના હુમલા બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દરમિયાન, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન પરવેઝ ઈલાહીએ ગુરુવારે રાત્રે પોલીસને વઝીરાબાદમાં ઈમરાન ખાનના કાફલા પર થયેલા હુમલાની તપાસ માટે જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન ટીમ (JIT) બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.

પાકિસ્તાનમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. એવી આશંકા છે કે પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ બની શકે છે. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ આ હુમલાને પૂર્વ વડાપ્રધાનની હત્યાનો સુનિયોજિત પ્રયાસ ગણાવ્યો છે. પાર્ટીના પ્રવક્તા ફવાદ ચૌધરીએ કહ્યું કે જો હુમલાખોરને લોકોએ રોક્યો ન હોત તો પીટીઆઈનું સમગ્ર નેતૃત્વ ખતમ થઈ ગયું હોત. ઈમરાન પર હુમલાની શંકાની સોય વર્તમાન વડાપ્રધાન પર પણ ફરતી જોવા મળી રહી છે.