Published by : Rana Kajal
પાકિસ્તાની ફિલ્મ ‘ધી લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ની ભારતમાં રિલીઝ આખરે મુલત્વી કરી દેવામાં આવી છે. આ ફિલ્મ આ સપ્તાહે ભારતમાં રિલીઝ કરવાનો તખ્તો ઘડાયો હતો. જોકે, દેશમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ છે તેવા સમયે પાકિસ્તાની ફિલ્મ રિલીઝ કરવા સામે ભારે વિરોધ થતાં રિલીઝનો પ્લાન પડતો મુકાયો હોવાનું કહેવાય છે.
આ ફિલ્મને ભારતીય સેન્સર બોર્ડ દ્વારા સર્ટિફિકેટ પણ આપી દેવાયું હતું. ફિલ્મને યુપી તથા પંજાબ સહિતના ઉત્તર ભારતના વિસ્તારોમાં પ્રગટ કરવાનો નિર્ણય લેવાયો હતો. ફિલ્મમાં ‘અય દિલ હૈ મુશ્કિલ’માં દેખાયેલો ફવાદ ખાન તથા શાહરુખની ફિલ્મ ‘રઈસ’ની હિરોઈ માહિરા ખાનની મુખ્ય ભૂમિકાઓ છે.
આ ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. તેની કથા સાથે ભારતીય દર્શકો પણ રિલેટ કરી શકે તેમ છે તેવું જણાતા તેને ભારતમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે ફિલ્મની કોઈ નવી રિલીઝ ડેટ જાહેર કરાઈ નથી. આથી, ફિલ્મ ભારતમાં કયારે રિલીઝ થશે કે પછી ક્યારેય રિલીઝ થઈ શકશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સેવાય છે.