Published by : Anu Shukla
- અસ્થિ વિસર્જન માટે ખાસ વિઝા આપવા પાકિસ્તાન સહમત થયું છે.
પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ અસ્થી વિસર્જન કરવા ભારત આવી શકશે. આમ હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધા સંતોષી શકાશે એમ લાગી રહ્યું છે.
પાકિસ્તાનનાં કરાચીનાં મંદિરોમાં હિન્દુઓની 460 અસ્થિઓને તેમના પરિવારજનો ભારત લાવી શકશે .ભારત સરકારે પાકિસ્તાની હિન્દુ પરિવારોને ગંગામાં અસ્થિ વિસર્જન કરવા માટેની મંજૂરી આપી છે. સ્પોન્સરશિપ પોલિસી હેઠળ પહેલા પાકિસ્તાનમાંથી અસ્થિ વિસર્જન માટે માત્ર તેમને જ વિઝા મળતા હતા જેમના પરિવારમાંથી કોઇ સભ્યો ભારતમાં વસવાટ કરતા હોય. હવે પોલિસીમાં બદલાવ હેઠળ પાકિસ્તાનના હિન્દુ પરિવારોને ગંગામાં અસ્થિ વિસર્જન માટે 10 દિવસના ભારતીય વિઝા અપાશે. પાકિસ્તાનનાં 460 હિન્દુ પરિવાર પોતાના મૃત પરિજનોના અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરી શકશે. વાસ્તવમાં, ભારતમાં યાત્રા પર પ્રતિબંધને કારણે પાકિસ્તાનમાં અનેક હિન્દુ પોતાના પરિવારના કોઇ સભ્યોના અંતિમ સંસ્કાર બાદ અસ્થિને મંદિર અથવા સ્મશાન ઘાટ પર રાખી દે છે, જેથી તક મળે ત્યારે ગંગામાં વિસર્જન કરી શકાય. 400થી વધુ પાકિસ્તાની હિન્દુઓના અસ્થિઓને કરાચીનાં મંદિરો તેમજ સ્મશાનઘાટ પર રાખવામાં આવ્યા છે. તેમના પરિવારજનોનું કહેવું છે કે અમારા પૂર્વજોની ઇચ્છા હતી કે મૃત્યુ બાદ તેમને પોતાની જ જમીન નસીબ થાય. આખરે હવે તેઓનું સપનું પૂરું થયું છે, તેમના આત્માને શાંતિ મળશે. પાક.ના એક હિન્દુ સાંસદ રોમેશકુમારે કહ્યું કે અમે આ નિર્ણયને આવકારીએ છીએ. આ પગલું જરૂરી હતું, કારણ કે અહીંના સેંકડો હિન્દુ પરિવારને આ નિર્ણયની પ્રતીક્ષા હતી. લોકો એટલા ખુશ છે કે તેમને આ નિર્ણય પર વિશ્વાસ થતો નથી. માઇનોરિટી રાઇટ્સ ગ્રૂપ ઇન્ટરનેશનલ અનુસાર પાક.માં કુલ 19 લાખ 60 હજાર હિન્દુ વસતી છે. તેમાંથી 96% હિન્દુઓ પાક.ના સિંધ પ્રાંતમાં રહે છે.
પાક.ના એક હિન્દુ ડૉક્ટર મોહન જોશીએ જણાવ્યું કે ગત વર્ષે મારા પિતાનું નિધન થયું હતું. તેમની અંતિમ ઇચ્છા તેમના અસ્થિઓનું ગંગામાં વિસર્જન થાય તેવી હતી, જેથી આત્માને શાંતિ મળે. પરંતુ અમે એવું કરી શક્યા ન હતા. હવે એક આશા જાગી છે. આ નિર્ણય આવકારદાયક છે.આઝાદી બાદ માત્ર બે વાર હિન્દુઓના અસ્થિ ગંગામાં વિસર્જિત થયા. કરાચીમાં પંચમુખી હનુમાન મંદિરના સંરક્ષક રામનાથે કહ્યું કે અમે અનેક વર્ષોથી ભારત સરકાર સમક્ષ જે માંગ કરી રહ્યા હતા તે હવે પૂરી થઇ છે. આઝાદી બાદ માત્ર બે વાર પાક.ના હિન્દુઓ અસ્થિઓને અહીંથી લઇને ગંગામાં વિસર્જિત કર્યા છે. પહેલી વાર અમે ભારતની યાત્રા 2011માં કરી હતી, ત્યારે હું મારી સાથે 135 અસ્થિઓ લઇને ગયો હતો. તેમાં દાદાથી લઇને પૌત્રના અસ્થિઓ હતી. તેને 64 વર્ષ બાદ વિસર્જિત કરાયા હતા.