Published By:- Bhavika Sasiya
- રવિવારે ઉત્પાદન પ્રક્રિયા વેળા એકાએક ધુમાડા સાથે આગ ભભૂકતા નાસભાગ
- પાનોલી અને અંકલેશ્વર જીઆઇડીસીના ફાયર ફાઈટરોએ દોડી આવી આગ ઓલવવા કવાયત આરંભી

પાનોલી GIDC માં આવેલી મેઘમણી ઓર્ગેનિક્સ કંપનીમાં રવિવારે બપોરના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઇ હતી.
પીગમેન્ટ્સ બનાવતી પાનોલીની મેઘમણી ઓર્ગેનિક્સ કંપનીમાં રવિવારે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. જે વેળા અચાનક લીલા ધુમાડાએ દેખા દીધી હતી.

લીલા ધુમાડાના ગોટે ગોટા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ સાથે જીઆઇડીસી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ પાનોલી તેમજ અંકલેશ્વરના ફાયર ફાઈટરોને કરાતા પાનોલી જીઆઇડીસી સાયરનોથી ગુંજી ઉઠી હતી. પીગમેન્ટ્સના કારણે આકાશમાં લીલા ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું.

ફાયર ફાઈટરોએ દોડી આવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગની ઘટનામાં હજી સુધી કોઈ જાનમાલની નુકશાનના અહેવાલો બહાર આવ્યા નથી. સાથે જ આગ લાગવાનું કારણ પણ બહાર આવ્યું નથી. હાલ તો પોલીસ, સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીપીસીબી એ દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.