- ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે પાણીની યોજનાનું લોકાર્પણ
- હવે પાલેજના 22000 લોકોને પીવાનું મીઠું પાણી મળશે
વાગરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પાલેજ ખાતે મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે. મીઠા પાણીની યોજનાના લોકાર્પણ પગલે પાલેજની વર્ષો જૂની પાણીની સમસ્યા હલ થઈ છે. હવે ગામના 22000 લોકોને પૂરતા પ્રમાણમાં મીઠુ પાણી મળશે.
પાલેજના ગ્રામજનો વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા હતા. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના માર્ગદર્શન હેઠળ સરપંચ રમણભાઈ વસાવા, ડે. સરપંચ શબ્બીરખાં પઠાણ અને જિલ્લા પંચાયત સભ્ય મલંગખાં પઠાણના પ્રયાસોથી પાલેજની 25 સોસાયટીઓની પાણીની સમસ્યા હલ થઈ હતી. જેના પગલે ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની હાજરીમાં પાણીની યોજનાનું લોકાર્પણ થયું હતું.
લોકાર્પણ સમારોહમાં નવરાત્રી નિમિત્તે હિન્દૂ કન્યાઓને ચણીયાચોળી અને મહિલાઓને સાડીઓનું વિતરણ કરાયું હતું. હકડેઠઠ માનવ મેદનીને સંબોધતા ધારાસભ્ય અરુણસિંહ રણાએ પાલેજના ગ્રામજનોએ તેમનામાં મુકેલા વિશ્વાસને નિષ્ફળ નહિ જવા દે તેવી ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે ખોટા વચનો આપતો નથી, ભાગલા પડાવતો નથી. ભાજપનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ. આ સૂત્રને સાર્થક કરવા વાગરા વિધાનસભા ક્ષેત્રમાં કામ કર્યું છે. માળખાગત વિકાસ કર્યો છે. અને આવનારા થોડા દિવસોમાં રસ્તાઓના કામો શરૂ થશે.
ધારાસભ્યએ પાલેજનો નકશો બદલવા તળાવના બ્યુટીફીકેશ માટે ખાતરી આપી હતી. સાથે આવનારા થોડા જ દિવસોમાં પાલેજ ગામમાં ગેસ લાઈનની સુવિધા પણ મળશે તેવી જાહેરાત કરતા જનમેદનીએ તાળીઓના ગડગડાટથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય માલનગખાં પઠાણ, સરપંચ રમણભાઈ વસાવા, ડે. સરપંચ શબ્બીરખાં પઠાણ, ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, જિલ્લા મંત્રી નિશાંત મોદી, ભાજપના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, જયેશ સોજીત્રા તથા ગુજરાત હજ કમિટીના ડિરેકટર મુસ્તુફાભાઈ સહિત આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.