Published by : Rana Kajal
- રાજધાની, તેજસ, અગસ્તક્રાંતિ સહિત 9 થી વધુ ટ્રેનો સવા કલાક સુધી અટકાવી દેવાઈ
- પાવર સપ્લાય ફરી દુરસ્ત કરાતા અપ અને ડાઉન લાઈનનો ટ્રેન વ્યવહાર પૂર્વવત થયો
ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશન પર ફાટક LC ગેટ 198 માં બુધવારે રાતે ડમ્પર ચાલકે વાહન અથડતા પાવર સપ્લાય ફેઈલ થતા ટ્રેન વ્યવહાર 40 મિનિટ સુધી થંભી ગયો હતો.
રેલવેની પ્રિમિયમ ટ્રેનો રાજધાની, અગસ્ટક્રાંતિ, તેજસ સહિત 9 થી વધુ પેસેન્જર ટ્રેનો ઘટનાના પગલે ભરૂચ સહિતના રેલવે સ્ટેશનો ઉપર 40 મિનિટથી સવા કલાક સુધી રોકી દેવામાં આવી હતી.
પાલેજ રેલવે સ્ટેશને ફાટક નંબર 198 પરથી બુધવારે રાતે 8 કલાકે ડમ્પર પસાર થઈ રહ્યું હતું. ડમ્પર ચાલકે LC ગેટના બેરીયરમાં વાહન અથાડી દેતા બેરીયર ઊંચકાઈને ઓવરહેડ 25 હજારના કેબલમાં ભટકાતા પાવર ફેઈલ થઈ ગયો હતો.
ઘટનાને પગલે મુંબઈ-વડોદરા અને વડોદરા-મુંબઈ વચ્ચે ટ્રેન વ્યવહાર 8 કલાક અને 5 મિનિટથી થંભી ગયો હતો. પાલેજ નજીક ડમ્પરે રેલવે ફાટક સાથે અકસ્માત સર્જતાં સાંજના પીક અવર્સમાં રેલવેની તમામ પ્રીમિયમ ટ્રેનો પ્રભાવિત થવા સાથે અટકી ગઈ હતી.

પાવર ફેલિયરની જાણ થતાં ભરૂચ રેલવે સ્ટેશનથી મેઇન્ટેનન્સ સ્ટાફ, અધિકારીઓ OHE વાન સાથે પાલેજ ઘટના સ્થળે દોડી ગયા હતા. બીજી તરફ પાલેજ રેલવે સ્ટેશનનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો.
રેલવે તંત્રે તાબડતોબ પાવર ફેઈલના કારણે અટકી ગયેલો રેલ વ્યવહાર પૂર્વવત કરવા કવાયત હાથ ધરી હતી. પાવર ફેઈલ થવાથી ડાઉન લાઈન ઉપર મુંબઈ તરફથી આવતી રાજધાની, અગસ્ટક્રાંતિ, તેજસ એક્સપ્રેસ, સયાજીનગરી, પ્રેરણા એક્સપ્રેસ, અજમેર સુપરફાસ્ટ, કચ્છ એક્સપ્રેસને જે તે સ્ટેશન ઉપર રોકી દેવામાં આવી હતી.
અપલાઈનમાં પણ ભુજ-પુણે, બાંદ્રા સુપરફાસ્ટ, વલસાડ ઇન્ટરસિટી, ગુજરાત કવિન તેના નિયત સમય કરતાં 18 મિનિટથી એક કલાક અને 5 મિનિટ સુધી વિલંબિત થઈ હતી. જ્યારે અગસ્ટક્રાંતિ 42 મિનિટ, પ્રેરણા એક્સપ્રેસ એક કલાક 7 મિનિટ, રાજધાની અને તેજસ એક્સપ્રેસ 20 થી 25 મિનિટ, અજમેર એક્સપ્રેસ 32 મિનિટ જ્યારે સયાજી નગરી 1 કલાક 27 મિનિટ મોડી પડી હતી.
આખરે 8 કલાક અને 45 મિનિટે પાલેજ નજીક પાવર ફેલિયર દુરસ્ત કરાતા થંભી ગયેલો ટ્રેન વ્યવહાર ફરી ધમધમતો થયો હતો. રેલવે તંત્રે રેલવે પ્રોપર્ટીને ડેમેજ અને તેના પગલે રેલવે વ્યવહાર ખોરવાઈ જવા સાથે ટ્રેનો વિલંબિત થવાની ઘટનામાં અકસ્માત સર્જક ડમ્પર ચાલક સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.