Published by : Vanshika Gor
આજથી ચાની કીટલીઓ પર અપાતા પેપર કપ પર પ્રતિબંધનો અમલ થઈ રહ્યો છે. કીટલી પર પેપર કપ પકડાશે તો કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હવે આ નિર્ણય સામે મ્યુનિસિપલ તંત્ર અને શાસક પક્ષ આમને સામને આવી ગયા છે. પ્રતિબંધના એક દિવસ પહેલા જ મેયર કિરીટ પરમારે કહ્યું કે, આવો કોઈ ઠરાવ થયો નથી. અમને પૂછીને નિર્ણય નથી લેવાયો, કમિશનરના મૌખિક આદેશ પર કાર્યવાહીની તૈયારી થઈ રહી છે. ત્યારે મેયરના આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે.
મેયરે પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે શું કહ્યું?
ગુરુવારે કેટલાક સંગઠનો તરફથી પેપર કપ પર પ્રતિબંધનો નિર્ણય મોકૂફ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મેયરે પ્રતિક્રિયા આપી કે, મ્યુનિ. કમિશનર રાઉન્ડમાં ગયા હશે તે સમયે તેમણે કોઈ સ્થળે ડ્રેનેજ લાઈનમાં પેપરકપ જોયા હશે આથે એમના મૌખિક આદેશથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. કમિશનર પાછા આવશે એ પછી તેમની સાથે બેઠક કરીને શહેરના હિતમાં નિર્ણય કરવામાં આવશે.
આ કારણે મૂકાયો પેપરકપ પર પ્રતિબંધ
નોંધનીય છે કે, અગાઉ પેપર કપ પર પ્રતિબંધ મૂકતા એવી દલીલ કરવામાં આવી હતી કે શહેરમાં રોજ અંદાજે 20 લાખ પેપર કપ રોડ પર ફેંકાય છે. આ પેપર કપના કારણે સ્ટોર્મ વોટર લાઈન અને ગટર લાઈન ચોકઅપ થઈ જતી હોય છે. ઉપરાંત તેમાં અંદર ચોંટાડેલું પ્લાસ્ટિકનું પાતળું લેયર સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. એવામાં કીટલી અને લારીવાળાઓને પેપર કપનો ઉપયોગ ન કરવા સૂચના અપાઈ હતી.
પેપરકપ યુનિટોમાં હજારો કામદાર બેરોજગાર થશે
મ્યુનિ.ની ચૂંટાયેલી પાખ દ્વારા જ પેપર કપ પર કડક પ્રતિબંધની અમલવારી પહેલા વિરોધના સૂર કાઢતા શક્ય છે કે પ્રતિબંધના અભિયાનને ધીમા પગલે હાથ ધરવામાં આવે. બીજી તરફ પેપર કપ પર પ્રતિબંધથી શહેરમાં પેપરકપ બનાવતા એકમોમાં હજારો લોકોના બેરોજગાર થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. મ્યુનિ. તંત્રના નિર્ણય બાદ મોટાભાગના યુનિટોએ પેપર કપનું ઉત્પાદન બંધ કરી દીધું છે એવામાં લાખોના ખર્ચે વસાવેલા મશીનો બંધ થવાથી નુકસાનીના કારણે યુનિટના માલિકો પણ ચિંતામાં મૂકાયા છે.