- ભરૂચ એલસીબીએ 16.61 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપ્યા…એક ફરાર
ભરૂચ એલસીબીએ આમોદમાંથી પોલીસની ખોટી ઓળખ બતાવી છેતરપિંડી આચરનાર ગેંગના 5 આરોપીઓને 16.61 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા અને એકને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
આમોદના આછોદ ગામે પ્લાસ્ટીકના દાણા બનાવતી કંપનીમાં માલિક સાથે ઓળખાણ છે અને સસ્તા ભાવે મળશે કહી એક ઈસમને કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ તેને નાણાકીય વ્યવહાર અર્થે ઘરે બોલાવ્યો હતો. દરમિયાન અન્ય ચાર ઈસમોએ ત્યાં આવી પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદી પાસેથી 15 લાખની રોકડ તથા ચેક પડાવી દીધા હતા. છેતરપિંડી અંગે ફરિયાદીએ આમોદ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.
આમોદ પોલીસની ચાર ટીમ તથા ભરૂચ એલસીબીએ કુખ્યાત ગેંગને ઝડપી પાડવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને આમોદ તાલુકાના આછોદ ગામે દરોડા પાડયા હતા. પોલીસે સ્થળ પરથી 10 મોબાઈલ ફોન સહીત 15.60 લાખ રોકડ મળી કુલ રૂ. 16.61 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે છેતરપિંડી આચરનાર કચ્છના ખાલિદ ઉર્ફે જાનુ યાકુબ શીરૂ, આમોદના ઈમ્તિયાઝ ઉર્ફે દેડકો અહેમદ પટેલ, આમોદના હનીફ નિઝામ પઠાણ,આમોદના મહેબૂબ મલેક અને આમોદના સાજીદ ઉર્ફે સકીલ અહેમદ ઈદ્રિશીને ઝડપી પાડ્યો હતો. અને આમોદના પ્રકાશ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.