Published by : Rana Kajal
- આજે ‘વર્લ્ડ બ્રેઈલ ડે’…લિફ્ટના બટન સુધી દિવ્યાંગોની ભાષાનો સમાવેશ…
- ટ્રેન, બસ તેમજ ઐતિહાસિક સ્થળોએ બ્રેઈલ લિપિમાં સૂચનો હોવા જરૂરી…
આજે વિશ્વ બ્રેઈલ લિપિ દિવસ છે. બ્રેઈલ લિપિ અંગે એમ પણ કહેવાય છે કે બ્રેઈલ લિપિ ઍટલે પ્રજ્ઞાચક્ષુની ભાષા. જે દ્વારા પ્રજ્ઞાચક્ષુ દુનિયાને ઓળખે અને સમજે છે…
બ્રેઈલ લિપિના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ‘વિશ્વ બ્રેઇલ દિવસ’ ઉજવવામાં આવે છે. દુનિયાભરમાં કરોડો લોકો સંપૂર્ણ રીતે અંધ છે, તો કેટલાક લોકો આકસ્મિક રીતે દ્રષ્ટિ ગુમાવે છે. પ્રજ્ઞાચક્ષુઓને સાક્ષર અને સક્ષમ બનાવવામાં બ્રેઈલ લિપિએ ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો છે, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી અવાજ સહાયક (વોઈસ આસિસ્ટન્ટ) જેવી ટેકનોલોજીના આવવાથી બ્રેઇલ લિપિ વિસરાતી જાય છે.
પ્રજ્ઞાચક્ષુ બાળકોને શાળાઓમાં બ્રેઈલ લિપિ દ્વારા ભણાવવામાં આવે છે. ત્યારબાદ કોલેજમાં અભ્યાસક્રમ લાંબો હોવાથી તેમજ આજકાલ અવાજ સહાયક ટેકનોલોજી ઉપલબ્ધ હોવાથી વિદ્યાર્થીઓને ઓડિયો માધ્યમથી ભણાવવામાં આવે છે. ઓડિયો ટેકનોલોજી ઉપયોગમાં સરળ હોવાથી મોટાભાગના પ્રજ્ઞાચક્ષુઓ ઓડિયો માધ્યમ તરફ વળવા લાગ્યા છે. પરંતુ ઓડિયો માધ્યમમાં વિરામચિન્હો અને વ્યાકરણની ચોકસાઈ બ્રેઈલ લિપિ કરતા પ્રમાણમાં ઓછી હોય છે. જેથી ભાષામાં વિરામચિન્હો અને વ્યાકરણનું મહત્વ જળવાઈ રહે તે માટે આધુનિક યુગમાં પણ બ્રેઇલ લિપિનો ઉપયોગ થાય તે જરૂરી છે.
પ્રજ્ઞાચક્ષુઓ માટે કેટલીક જાહેર જગ્યાએ બ્રેઈલ લિપિમાં સૂચનો લખવામાં આવે છે. હાલમાં લિફ્ટમાં ફ્લોર નંબર દર્શાવતા બટનો બ્રેઇલ લિપિમાં જોવા મળે છે. તેમજ કેટલીક જગ્યાએ જાહેર શૌચાલયની બહાર મહિલા અને પુરૂષ દર્શાવતા ચિન્હો પણ બ્રેઈલ લિપિમાં લખવામાં આવે છે. ઉપરાંત મોનોપોલી, ઉનો, લુડો અને સાપસીડી જેવી કેટલીક બોર્ડ ગેમ્સ ખાસ બ્રેઈલ લિપિમાં બનાવવામાં આવે છે. સાથે જ કેટલીક જગ્યાએ એટીએમમાં આંકડાઓ બ્રેઈલ લિપિમાં લખેલ હોય છે.
હવે બસના સીટી નંબર અને ચીજવસ્તુઓના પેકિંગ પર બ્રેઈલ લિપિની જરૂર છે.માસ્ટર ઓફ આર્ટસમાં અભ્યાસ કરતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ચિરાગ જણાવે છે કે, ટ્રેનની જેમ બસમાં પણ સીટ નંબર બ્રેઈલ લિપિમાં લખવામાં આવે તો તેમને સરળતા રહે. સાથે જ જો ઐતિહાસિક સ્થળો પર ત્યાંનો ઇતિહાસ બ્રેઈલ લિપિમાં લખવામાં આવે તેમજ ચીજ વસ્તુઓના પેકિંગ પર જરૂરી બાબતો આ લિપિમાં લખવામાં આવે તો તેમને ખૂબ મદદ મળી રહે. આખરે તે કહે છે કે ઓડિયો માધ્યમ એ બ્રેઈલ લિપિનો વિકલ્પ નથી પણ સહાયક છે.




