- 5000 કરોડના બિઝનેસ પરિવારની મહિલાઓ તગારાં ઊંચકે છે….
- પ્રમુખસ્વામી જન્મશતાબ્દી ઉત્સવમાં ભવ્યતાના વિક્રમોની વણજાર વચ્ચે શ્રમયજ્ઞની સરવાણી
સુરતના ડાયમંડ કિંગ લવજી બાદશાહની પુત્રી ગોરલ અને અજમેરા પરિવારની પુત્રી આજ્ઞાબેન નણંદ-ભાભી કડિયાકામ કરી રહ્યા છે. અપૂર્વ ભક્તિમાં તરબોળ કરતો અમદાવાદનો પ્રમુખસ્વામી જન્મશતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા દેશના જ નહિ વિદેશના પણ સત્સંગીઓ આવી ગયા છે. ત્યારે બોર્ન વિથ ધ ગોલ્ડન સ્પૂનવાળી કહેવતને અવાર-નવાર પૂંજીપતિઓને ઉતારી પાડવા માટે વપરાતી હોય છે, પણ પ્રમુખસ્વામીનગર રચવાના ચાલી રહેલા ભગીરથ કામમાં ભરબપોરે તગારાં ઊંચકીને મજૂરી જેવું કામ કરતી આ નણંદ અને ભાભીએ આ કહેવતને પણ નવો અર્થ પ્રદાન કર્યો છે.દાન આપીને કે સોફેસ્ટિકેટેડ સેવા આપવાને બદલે રોડાં ભરેલાં તગારાં ઊંચકવાં, ફૂલ-છોડનાં કૂંડા ઉપાડવાં જેવું કામ કરવાનું પસંદ કરનાર બે યુવતીઓએ તેમના સેવાયજ્ઞની સુવાસ ચારેતરફ તો ફેલાવી જ છે પણ કોઇ પણ કામ નાનું નથી હોતું અને જો ખરી સેવા કરવી જ હોય તો કષ્ટ વેઠીને પણ સામાન્ય સેવકની જેમ સેવા કરવી જોઇએ તે વાતનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બે યુવતીઓમાંથી એક છે ગોરલ અજમેરા, જે 5000 કરોડથી વધુનું નેટવર્થ ધરાવતા અજમેરા પરિવારની પુત્રવધૂ અને સુરતના ડાયમંડ કિંગ ગણાતા અને એટલો જ મોટો બિઝનસ ધરાવતા લવજી બાદશાહની પુત્રી છે. જ્યારે બીજી યુવતી અજમેરા પરિવારનાં જ આજ્ઞાબેન છે. ગોરલબેન હાથમાં ઇજા થઈ હતી. છતાં સેવાનું કામ ચાલુ રાખ્યું છે. નાના હતા ત્યારે પણ તપેલાં ઘસ્યાં હતાં, ન્યૂજર્સીમાં જમવાનું બનાવી પીરસ્યું હતું.
હું બ્રહ્મવિહારી સ્વામીની પ્રેરણાથી હાલ શતાબ્દી મહોત્સવમાં પીઆરની સેવા આપી રહ્યો છું. વીઆઇપીઓને આમંત્રણ આપવું, તેનું રોજેરોજ ફોલોઅપ કરવું, તેમના એકોમોડેશન તેમજ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવાની હોય છે. અગાઉ સાળંગપુરમાં રહેતા ત્યારે જમવાની તેમજ જનરલ વ્યવસ્થા કરવાની, વાસણ ધોવાનાં, સાફસૂફી કરવાનું કામ કરતાં હતાં. નાના હતા ત્યારે બહેન સાથે તપેલાંમાં બેસી જઇ તેને ઘસતાં હતાં. હું 11 વર્ષનો હતો ત્યારે પણ પ્રમુખસ્વામી મહારાજે મને પીઆરની જવાબદારી સોંપી હતી. એમ મયૂર અજમેરાએ જણાવ્યુ હતુ, જ્યારે વિમલ ડેરીના માલિક, ઝાયડસના અનિષ પટેલ સહિતના હજારો અગ્રણીઓ સેવા દાન યજ્ઞ માં જોડાયા છે.પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં 55 હજાર સ્વયંસેવકો તો વિદેશથી આવ્યા છે. દેશભરમાંથી આવેલા લોકો પૈકી વિમલ ડેરીના માલિક જયેશ પટેલ, સિન્ટેક્સના યોગેશ પટેલ, ઝાયડસના અનિષ પટેલ, અજમેરા ગ્રૂપના વિમલ મહેતા, પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઇ જશભાઇ પટેલના પૌત્ર સહિતના કેટલાય ઉદ્યોગપતિઓ, ડોક્ટર્સ, વકીલ, વેપારીઓ સહિત હજારો વ્યક્તિ સેવા આપી રહ્યા છે.