Published by : Anu Shukla
- 10 વર્ષ જૂનું હેલિકોપ્ટર પણ વાપરવાની છૂટ અપાઇ.
આગામી સમયમાં ફરી એકવાર અહીં હેલિકોપ્ટરની જોય રાઇડનો લહાવો અહીં આવતા મુલાકાતીઓને મળી શકે છે.લગભગ 3.5 વર્ષના લાંબા અંતરાલ બાદ આ સેવાનો ફરી પ્રારંભ થશે. અહીં રોજના 2,500 જેટલા મુસાફરો રોજેરોજ હેલિકોપ્ટર રાઇડ કરશે તેવી સરકારની ગણતરી છે.અહીં આ મઝા માણવા આવતા મુલાકાતીઓ માટે જે હેલિકોપ્ટર વાપરવાની છૂટ આપી છે તે 10 વર્ષથી જૂનું હશે તોપણ સરકારને સ્વીકાર્ય રહેશે. 100માંથી 10 માર્કસ આવા હેલિકોપ્ટર માટે સરકારે ટેન્ડરની શરતોમાં રાખ્યા છે.
જોય રાઇડ આ વખતે સહેજ મોંઘી પડશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી વૈશ્વિક ઓળખ ધરાવી ચૂક્યું છે, વિદેશથી સંખ્યાબંધ સહેલાણીઓ અહીં આવે છે અને જૂના હેલિકોપ્ટરને કારણે યાત્રીઓને અસુવિધા થશે તો ઇમેજ ખરડાય તેવી શક્યતા નકારી શકાય નહીં. આ બાબતને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર શ્રાઇન બોર્ડ તો 10 વર્ષથી જૂના હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવાની મંજૂરી જ આપતું નથી. ગત સમયે જ્યારે હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ કરી હતી ત્યારે ચાર્જ રૂ.2900 રાખવામાં આવ્યો હતો. ( 18 ટકા જીએસટી સાથે રૂ.3422 થતા હતા) જે આ વખતે રૂ.2800 રાખ્યો છે. પણ જો શનિ-રવિ કે જાહેર રજાઓમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં હેલિકોપ્ટર રાઇડ કરી તો અગાઉ કરતા ટિકિટ દીઠ રૂ. 708 વધુ આપવા તૈયાર રહેવું પડશે.
આ રાઇડ મુલાકાતીઓને નર્મદા મૈયાનું પ્રાકૃતિક સૌંદર્ય, વેલી ઓફ ફ્લાવર તથા સરદાર સરોવર ડેમ, સાતપુડા અને વિંધ્યાચળની પર્વતમાળા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો અદભુત નજારાનો લહાવો આપશે. હેલિકોપ્ટર જોય રાઇડના સર્વિસ પ્રોવાઇડર બનવાનો મનસૂબો રાખતી યોગ્ય કંપનીઓ આગામી 20મી જાન્યુઆરી સુધીમાં દાવેદારી નોંધાવી શકશે. જોકે આ સર્વિસ માટેનો કોન્ટ્રાક્ટ કઇ કંપનીને એનાયત થાય છે તે નામ જાણવા માટે 1લી ફેબ્રુઆરી સુધીની રાહ જોવી પડશે.