Published by : Rana Kajal
પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુર એમ ત્રણ જિલ્લાના ત્રિકોણીય સંગમ સ્થાન એવા હિડમ્બા જંગલમાં અને જાંબુઘોડા અભ્યારણના ગાઢ જંગલમાં પર્વતની એક જ શિલામાંથી સ્વંયભુ પ્રગટ થેયલા 18 ફૂટની હનુમાનજીની પ્રતિમા ધરાવતું ઝંડ હનુમાન મંદિર આવેલું છે. જેના દર્શન કરવાથી તેમના ભક્તોની અનેક પ્રકારની તકલીફો અને પનોતી દૂર થાય છે. આ સાથે જ આ મંદિરનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે.
પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા બે પર્વતોની વચ્ચે આવેલું ઝંડ હનુમાનજી મંદિર લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર બન્યું છે. તો આજે આપણે આ મંદિર વિશે વિસ્તારથી વાત કરી એ…
ઝંડનો અર્થ થાય છે મહાકાય અને તેના નામની જેમ જ અહીંયા પ્રસ્થાપિત થયો છે હનુમાનજીનું મહાકાય સ્વરૂપ. અહીં કષ્ટભંજન કોઈ મંદિરના ગૃહમાં નહિં પરંતુ વિશાળ પરિસરમાં જ વિશાળ હનુમાનજીના પ્રતિમાના દર્શન આપી રહ્યા છે. પંચમહાલના જાંબુઘોડા નજીક આવેલા ઝંડ હનુમાનજીના મંદિર સાથે મહાભારત કાળની દંતકથા સાથે જોડાયેલી છે. અહીં બિરાજીત હનુમાનજીની પ્રતિમા ગુજરાત રાજ્યભરમાં 18 ફૂટની ઉંચાઈ ધરાવતી અને એક પથ્થરમાં સ્વંયભુ કંડારાયેલી એક માત્ર પ્રતિમા હોવાનું કહેવાય છે. અહીંના હનુમાનજીના દર્શન કરવાથી પનોતીની વ્યાધિમાંથી મુક્તિ મળતી હોવાની ભક્તોની આસ્થા સંકળાયેલી છે, જેની પાછળ પણ એક દંતકથા જોડાયેલી છે.
કહેવાય છે કે, હનુમાનજી અને શનિદેવ વચ્ચેના મિલન બાદ થયેલા યુદ્ધમાં એક બીજાની શક્તિના પરચા બાદ શનિદેવને થયેલી પીડા દૂર કરવા તેલની માંગણી કરવામાં આવી હતી. તેમજ અહીં હનુમાનજીના ડાબા પગ નીચે શનિદેવની ઉપસ્થિતિ પણ એક અલૌકીક દર્શન આપે છે. જેઓના માથે શનિની પનોતી હોય તેવા પીડિત અહીં આવીને શનિદેવના દર્શન કરે તો તેમની પનૌતી દૂર થાય છે તેવું માનવામાં આવે છે. સાથે અહીં સૌ યથા શક્તિ મુજબ તેલ અર્પણ કરે છે અને પોતાની વ્યાધિમાંથી મુક્તિ મેળવે છે. એવું કહેવાય છે કે, અહીંના મંદિરમાં જે ભક્તો શનેશ્વરી અમાસ અને શનિ જયંતિના દિવસે શ્રદ્ધાપૂર્વક એકવાર દર્શન કરી લે છે તો એમને જીવનમાં ક્યારેય શનિની પનૌતીની અસર થતી નથી. તેમજ તેઓના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી હંમેશા માટે દૂર થઇ જાય છે.
જાંબુઘોડાના ગાઢ જંગલમાં આવેલ હનુમાનજીનું આ મંદીર ખૂબ પ્રાચીન હોવાના અનેક પુરાવા છે, ઝંડ હનુમાનજીના મંદિર નજીક પાંડવકાલીન ભીમની ઘંટી અને અર્જુન કૂવો આવેલો છે, શ્રધ્ધાળુઓ આસ્થા સાથે તેના પણ દર્શન કરે છે, કહેવાય છે કે, વનવાસ દરમ્યાન પાંડવો જ્યારે આ ધરા પર આવ્યા હતા ત્યારે ભીમ આ ઘંટીમાં અનાજ દળતા હતા, તો, દ્રૌપદીને તરસ લાગી હતી ત્યારે દ્રૌપદીને પાણી પીવા માટે અર્જુને બાણ મારી આ ભૂમિમાંથી જળ પ્રગટ કર્યું હતું, અને આ જળ ગ્રહણ કરી દ્રૌપદીએ તેમની તરસ છીપાવી હતી, આ કુવા માંથી બારેમાસ અવિરત ઝરણું પણ વહેતુ રહે છે, અને એ જ સ્થાન પર કુવાનું જળ ગ્રહણ કરી શ્રદ્ધાળુઓ ધન્યતાની અનુભૂતિ કરે છે.
ઝંડ મંદિર સંકુલમાં પ્રવેશતા જ જમણી તરફ એક વિશાળ શિવ મંદિર છે. આ પૌરાણીક મંદિરનું ચણતર પાતળી ઇંટો અને ચુનાથી કરાયેલું છે. તો અન્ય એક નાનું શિવાલય ભગ્ન અવસ્થામાં હનુમાનજીના સ્થળની નીચે આવેલુ છે. જેમાં પાર્વતીજીની મૂર્તિ પણ છે. તેમજ મંદિર પરિસરમાં જ પથ્થરોમાંથી કોતરેલા ગણપતિજીની વિવિધ મુદ્રાની મૂર્તિઓ આવેલી છે. આ જગ્યાએ મળી આવેલ અન્ય મૂર્તિઓ અને રોમન તલવાર સાથે સૈનિક યોધ્ધાઓનો પાળીયા જોતા ભૂતકાળમાં આ સ્થળ અત્યંત જાહોજલાલીથી ભરપુર હશે તેવું માનવામાં આવે છે.
આ સાથે રોમન સૈનિકો અહીં આવ્યા હોવાના પુરાવા તરીકે કેટલાક પાળીયા છે જેના પર રોમન સૈનિકોના બેનમૂન ચિત્ર સાથેને અલગ જ પ્રકારના પાળિયા જોવા મળે છે, લોકવાયકા મુજબ આ સ્થળ પાસે આવેલા ડુંગરના ઉપરના ભાગે એક વિશાળ ભોંયરૂ છે જેનું પ્રવેશદ્વાર બહારથી તોડીને ભોયરાને અગમ્ય કારણસર બંધ કરી દેવામાં આવ્યું છે. તો ઝંડ હનુમાન દાદાની મૂર્તિ જે ડુંગર ઉપર છે તેની સામેના ડુંગર ઉપર હિંગરાજ માતાની મૂર્તિ તથા તેમનું મંદિર ભગ્ન અવસ્થામાં છે, અહીં આરસના પથ્થરમાંથી કોતરેલ પગલાં મળી આવ્યા છે. જોકે આ સ્થળે જવા ફકત પગદંડીનો રસ્તો છે.