Published by : Vanshika Gor
લાંબી રાહ જોયા બાદ આખરે પ્રિયંકા ચોપરાએ તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનસનો ચહેરો તેના ચાહકો સમક્ષ જાહેર કર્યો છે. અભિનેત્રીએ આ માટે એક ખાસ અવસર પસંદ કર્યો હતો. તે નિક જોનાસ અને તેના ભાઈઓ કેવિન અને જો જોનાસ બ્રધર્સના વોક ઓફ ફેમ સમારોહમાં સામેલ થઈ હતી. આ અવસર પર પ્રિયંકાના ખોળામાં પુત્રી માલતી મેરી નજર આવી હતી. આ ખાસ અવસર પર માલતીની સાથે તેનો આખો પરિવાર એટલે કે કાકા-કાકી, કઝીન સોફી ટર્નર, ડેનિયલ જોનાસ અને તેમની દીકરીઓ પણ સાથે નજર આવી હતી.
જોનાસ બ્રધર્સે સ્ટેજ લીધું ત્યારે પ્રિયંકા, તેની પુત્રી માલતી મેરી અને પરિવારના અન્ય સભ્યો આગળની હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા. તેઓએ ત્રણેય પોપ સ્ટાર્સ માટે જોરથી ચીયર કર્યા હતા. તસ્વીરોમાં પ્રિયંકા માલતીને પોતાના ખોળામાં પકડેલી જોવા મળી રહી છે અને માલતી પણ ઉત્સાહથી આસપાસ જોઈ રહી છે. તે ક્યૂટ હેરબેન્ડ સાથે બેજ કલરનો કો-ઓર્ડ સેટ પહેરેલી જોવા મળે છે. માલતી મેરીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર ઈવેન્ટની એક તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, So proud of you my love! Congratulations. આ પોસ્ટ પર હવે હોલીવુડથી લઈને બોલીવુડ સેલેબ્સ અને ફેન્સની કોમેન્ટ્સ આવી રહી છે. ગયા વર્ષની શરૂઆતમાં દંપતીએ સરોગસી દ્વારા તેમની પુત્રી માલતી મેરી ચોપરા જોનસનું સ્વાગત કર્યું હતું.