Published By : Parul Patel
બાળકો, યુવાનો અને વૃદ્ધો.! દરેકને અતિપ્રિય હોય છે કેરી. ઉનાળાની આતુરતાથી રાહ માત્ર વેકેશન માટે જ નહીં પણ કેરી માટે પણ જોવાતી હોય છે. કેરીને માત્ર ફળો નો રાજા જ નહીં, રાષ્ટ્રીય ફળ પણ કહેવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતની ગીરની કેસર, તલાળાની કેસર અને હાફૂસ વિશ્વ પ્રખ્યાત છે. જેનું મુખ્ય બજાર દુબઈ અને સિંગાપોર માનવામાં આવે છે.
તો આવો જાણીએ, વિશ્વ પ્રખ્યાત અને સૌની પ્રિય એવી કેરીના ફાયદા અને ગુણો વિશે…
કાચી કેરીના ફાયદાઓ
આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, પેઢાની સમસ્યાઓમાં સુધારો કરે છે, રક્ત વિકૃતિઓનું જોખમ ઘટાડે છે અને આપણા શરીરમાં શ્વેત રક્તકણો વધારીને અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે.
પાકી કેરીના ફાયદાઓ
રક્ષણાત્મક એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ, પાચનમાં મદદ કરે છે, તંદુરસ્ત ત્વચા અને વાળ જાળવવામાં મદદ કરે છે, હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે, આંખની દ્રષ્ટિને તેજ બનાવે છે.
કેરીની ગોટલીના ફાયદા
કાજુ બદામ કરતા પણ વધારે પોષક તત્ત્વો કેરીની ગોટલીમાં રહેલા છે. જેને ખાવાથી શરીરમાં ચરબી પણ વધતી નથી. તો બીજી તરફ તેમાં મેગ્નિફેરીન નામનું ઘટક હોવાથી તે ડાયાબિટીસ પર પણ અંકુશ રાખે છે.
કેરીના પાનનાં ફાયદા
કેરીના પાન ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તેમાં વિટામિન A હોય છે. તેથી તે આંખોની રોશની વધારે છે અને શરીરને કોઈપણ ચેપ સામે રક્ષણ આપે છે.