ફિલ્મની વાર્તાની જેમજ મૃતક વ્યક્તિને જીવીત બતાવી તેના નામની બોગસ પાવર ઑફ એટર્ની કરી જમીન વેચી મારી હોય તેવુ ચોકાવનારુ કૌભાંડ સપાટી પર આવ્યું છે….
આ કૌભાંડની વિગત જોતા પાલનપુરમાં 1975માં મૃત્યુ પામેલી વ્યક્તિને જીવિત બતાવી 2008માં તેમના નામની પાવર ઓફ એટર્નીં બનાવી જમીન પચાવી પાડી વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. પાલનપુરમાં હનુમાન શેરી મોટા જૈન દેરાસર વિસ્તારમાં આવેલી 2596 ચોરસ ફુટ જમીન સ્વ.ચીમનલાલ લલ્લુરામ દોશીના નામે નગરપાલિકાના સિટી સર્વે રેકર્ડ પર ચાલતી હતી. એમનું 1975માં નિધન થયું હતું. દરમિયાન તેઓના નામે 2008માં ખોટી પાવર ઓફ એટર્ની બનાવી જમીન કોઇ વ્યક્તિએ પોતાના નામે કરી અન્ય વ્યક્તિને વેચાણ કરવાનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું . જેથી વર્ષ 2022ના ઓગષ્ટ મહીનામાં ચીમનલાલના વારસદાર અમદાવાદના સેજલબેન કિરણલાલ દોશીએ પાલનપુરના વેપારી સુરેશભાઇ શાહને સમગ્ર કૌભાંડની તપાસ કરવા માટે રૂપિયા 300ના સ્ટેમ્પ પેપર ઉપર મુખત્યારનામુ કરી આપ્યુ હતુ. જેથી સુરેશભાઇ શાહે આ મુદ્દે સબ રજીસ્ટાર કચેરી તેમજ મામલતદાર કચેરી પાલનપુર અને સિટી સર્વે કચેરી પાલનપુરમાં તપાસ કરતા પાલનપુર મોટા જૈન દેરાસર હાલ મુંબઈ રહેતા અમીતકુમાર જગદીશભાઇ ભણસાલીએ કોઇની મદદગારીથી ચીમનલાલ દોશી મૃત્યુ પામ્યા હોવા છતા તેમના નામની મુંબઇમાં ખોટી પાવર ઓફ એટર્ની બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી જમીન પચાવી પાડી હોવાનું સામે આવ્યુ હતુ અને ત્યારબાદ તે વેચી મારી હોવાનું જાણવા મળ્યુ હતુ. આ કૌભાંડ અંગે વધુ તપાસ ચાલી રહી છે