Published by : Anu Shukla
ગિલ્ડે પ્રેસની સ્વતંત્રતા જાળવી રાખવા પર ભાર મૂક્યો, કહ્યું – પ્રેસની સેન્સરશિપ થવા તથ્યાત્મક રીતે ખોટા સાબિત થતા કન્ટેન્ટ સામે કાર્યવાહી કરવા પહેલાંથી જ અનેક કાયદા ઉપલબ્ધ
કેન્દ્ર સરકાર ફેક ન્યૂઝ અંગે કડક વલણ અપનાવી રહી છે અને તેના પર સકંજો કસવા કેટલાક આઈટી નિયમોમાં સુધારા કરવા જઈ રહી છે. જોકે આ સુધારા લાગુ થાય તે પહેલાં જ તેનો વિરોધ થવા લાગ્યો છે. એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ બુધવારે કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો હતો કે સોશિયલ મીડિયા કંપનીઓને પીઆઈબી દ્વારા ફેક મનાતા ન્યૂઝને હટાવવા માટે નિર્દેશ આપતા આઈટી નિયમોમાં સુધારાના મુસદ્દાને હટાવવામાં આવે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે મંગળવારે આઈટી નિયમ ૨૦૨૧ના મુસદ્દામાં સુધારો જાહેર કર્યો હતો જેને અગાઉ જાહેર સલાહ-સૂચન માટે જારી કરાયો હતો.
અન્ય હિતધારકો સાથે સાર્થક ચર્ચા કરવામાં આવે
એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે અમે મંત્રાલયને આ નવા સુધારાને હટાવવા અને ડિજિટલ મીડિયા માટે એક નિયામકીય માળખા અંગે પ્રેસ એકમો, મીડિયા સંગઠનો અને અન્ય હિતધારકો સાથે સાર્થક ચર્ચા કરવા આગ્રહ કરીએ છીએ. જેથી પ્રેસની સ્વતંત્રતાને કોઈ નુકસાન ન થાય.
નિયમોના મુસદ્દા પર ગાઢ ચિંતા વ્યક્ત કરી
ગિલ્ડે આઈટી નિયમોના મુસદ્દાના સુધારા અંગે ગાઢ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ફેક ન્યૂઝ નક્કી કરવાની જવાબદારી ફક્ત કેન્દ્ર સરકારના હાથમાં ન હોઈ શકે. તેના પરિણામે તો પ્રેસની સેન્સરશિપ થવા લાગશે. તથ્યાત્મક રીતે ખોટા સાબિત થતા કન્ટેન્ટ સામે કાર્યવાહી કરવા પહેલાંથી જ અનેક કાયદા ઉપલબ્ધ છે. નવી પ્રક્રિયા મૂળરૂપે સ્વતંત્ર પ્રેસને દબાવવા માટે ઉપયોગમાં લેવાઈ શકે છે.