Published By : Parul Patel
- આદિવાસી ઝઘડિયા પંથકમાં બીજા દિવસે વધુ એક શાળાની છાત્રાની તબિયત લથડી
- જિલ્લા શિક્ષણ અને આરોગ્ય વિભાગ શનિવારે વિધાર્થીઓના આરોગ્ય તપાસશે
- મનોચિકિત્સક, GPCB, મેડિકલ ટીમો ઘટનાના મૂળ સુધી જવા કાર્યરત
- તરૂણીઓમાં સિકલસેલ એનિમિયા, હિમોગ્લોબીનનું ઓછું પ્રમાણ પણ આવ્યું સામે
ભરૂચ જિલ્લાના આદિવાસી ઝઘડિયા તાલુકામાં ગુરૂવારે 14 છાત્રાઓને ગભરામણની સમસ્યા ઉદ્દભવ્યા બાદ શુક્રવારે મોટા સોરવાની શાળામાં વધુ એક છાત્રાની તબિયત લથડી છે.
ઝઘડિયાના રાજપારડીની ડી.પી. શાહ સ્કૂલની 14 છાત્રા ગુરુવારે ગભરામણ અને શ્વાસની તકલીફને લઈ આરોગ્ય કેન્દ્રોમાં ખસેડાઇ હતી. જેઓએ ચક્કર આવવાની ફરિયાદ પણ વ્યક્ત કરી હતી.
આ છાત્રાઓનું ઓક્સિજન લેવલ ડાઉન જોવા મળ્યું હતું. તેઓને સારવાર આપી ઓબ્ઝર્વેશનમાં રખાય હતી. તેઓના વિવિધ મેડિકલ રિપોર્ટ પણ કઢાવાયા હતા.
ભરૂચ જિલ્લાનું શિક્ષણ, આરોગ્ય અને વહીવટી તંત્ર છાત્રાઓની એકાએક તબિયત લથડવાના મૂળ સુધી પહોંચે તે પહેલા શુક્રવારે મોટા સોરવા ગામની વધુ એક વિધાર્થિની ચાલુ શાળાએ જ તબિયત બગડતા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી કિશન વસાવાએ જણાવ્યું હતું કે, આરોગ્ય, GPCB, મેડિકલ ટીમો, સાઈક્રાઇટીસ સહિતની મદદથી છાત્રાનું તબિયત નાદુરસ્ત થવાની તપાસ કરાય રહી છે. શનિવારે આરોગ્ય તપાસનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
છાત્રાઓના અલગ અલગ રિપોર્ટ કઢાવાયા છે. વાતાવરણ, બીમારી, ફોબિયા કે અન્ય કારણના લીધે આમ થઈ રહ્યું છે તેની તપાસ ચલાવાઈ રહી છે.
જોકે અસરગ્રસ્ત થયેલી તરૂણીઓમાં કેટલીકને ખેંચની બીમારી, કેટલિકને સિકલસેલ એનિમિયા હોવાનું તો કેટલીક છાત્રાઓમાં લોહીનું પ્રમાણ માત્ર 8 થી 9 ટકા જેટલું જ હોવાનું સામે આવ્યું છે.