Published by : Anu Shukla
બાબા કેદારની નગરી કેદારપુરી અત્યારે બરફની સફેદ ચાદરથી ઢંકાયેલી છે. હિમવર્ષા બાદ હિમાલય સિવાય કેદારપુરીની ભવ્યતા નિખરી છે. હિમવર્ષા બાદ કેદારનગરીમાં ચાલી રહેલા દ્વિતીય તબક્કાના નિર્માણ કાર્યને અસર થઈ છે જ્યારે ઠંડીના કારણે કામ કરતા લોકો હવે નીચે ઉતરી ગયા છે.
કેદારનગરીનું તાપમાન માઈનસ 14 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યુ છે અને ત્યાં બધુ થીજી ગયુ છે. હવે કેદારનાથમાં માત્ર સાધુ-સંત જ રહે છે. બીજી તરફ તૃતીય કેદાર તુંગનાથ ધામમાં પણ ખૂબ હિમવર્ષા થઈ છે. હિમવર્ષાનો આનંદ ઉઠાવવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે જેના કારણે પર્યટન ઉદ્યોગને પણ લાભ મળી રહ્યો છે.
બે દિવસ સુધી કેદારનાથ ધામમાં 3 ફૂટ સુધી બરફવર્ષા થઈ છે અને હવે ધામમાં હવામાન સ્પષ્ટ છે. હવામાન સ્પષ્ટ થયા બાદ કેદારનાથ ધામ બરફમાં ચાંદીની જેમ ચમકી રહ્યુ છે. ધામમાં ચારેતરફ બરફ છે. ધામમાં થયેલી હિમવર્ષાના કારણે ત્યાં વિજળી અને પાણીનો પુરવઠો ઠપ થઈ ગયો છે. આ સિવાય ધામમાં ચાલી રહેલા તમામ પ્રકારના પુનનિર્માણ કાર્યને થોડા દિવસ માટે બંધ કરી દેવાયુ છે. હવે હવામાન સ્પષ્ટ થવા અને હિમવર્ષા ઓછી થયા બાદ જ કાર્ય શરૂ થઈ શકશે. કેદારનાથ ધામમાં હિમવર્ષાના કારણે બધુ જ જામવા લાગ્યુ છે અને અહીં બરફને ઉકાળીને પાણી પીવુ પડી રહ્યુ છે.
આગામી અમુક દિવસો સુધી કેદારનાથ ધામ સહિત અન્ય હિમાલયી વિસ્તારમાં હિમવર્ષા રહેશે. તૃતીય કેદાર તુંગનાથમાં પણ હિમવર્ષાનો સિલસિલો ચાલુ છે. હિમવર્ષા થવાથી વેપારીઓના ચહેરા પર હાસ્ય છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિમવર્ષાનો આનંદ માણવા તુંગનાથ-ચોપતા પહોંચી રહ્યા છે. જેનાથી સ્થાનિક લોકોનો વેપાર પણ સારો ચાલી રહ્યો છે. હિમવર્ષા ના થવાથી વેપારીઓ નિરાશ થઈ ગયા હતા પરંતુ હવે તેમના ચહેરા પર હાસ્ય જોવા મળી રહ્યુ છે.