Published by : Anu Shukla
- વરણામા ત્રિમંદીર ખાતે પશુપાલકો અને મંડળીના સભાસદોની રજૂઆત સાંભળવા યોજાઈ બેઠક
- સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રહ્યા ઉપસ્થિત
બરોડા ડેરી સામે ભ્રષ્ટાચાર અને સગાવાદના આક્ષેપો સાથે ભ્રષ્ટાચાર ડામવા માટે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વધુ એક વખત લડત ઉપાડી છે. ત્યારે આજરોજ વડોદરા તેમજ છોટા ઉદેપુર જિલ્લાના પશુપાલકો તેમજ મંડળીના આગેવાનોની રજૂઆતો સાંભળવા માટે વરણામા ત્રિમંદીર ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યો ઉપસ્થિત રહેનાર હતા પરંતુ 3 જ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી બે ભાજપાના અને એક અપક્ષ ધારાસભ્ય ઉપસ્થિત હતા.
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પુનઃ એક વાર બરોડા ડેરી સામે બાંયો ચઢાવવામાં આવી છે. અને ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે રજૂઆતો કર્યા બાદ તે અંગેની હાલમાં તપાસ ચાલી રહી છે. તપાસનો દોર શરુ છે તેવામાં જ સગાવાદના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને ડેરીમાં ડિરેક્ટરોના માનીતા અથવા તો સાગા વ્હાલાઓને જ નોકરીઓ આપવામાં આવી હોવાના પણ આક્ષેપો કરાયા છે. આ ઉપરાંત ડેરી અંતર્ગત આવતી કેટલીય મંડળીઓ ખોટ કરતી હોવાના ઓથા હેઠળ બંધ કરી દેવામાં આવી છે. અને જે કોઈ મંડળીના પ્રમુખ અથવા તો મંત્રી અવાજ ઉઠાવવાનો પ્રયત્ન ખાતે તો તેઓનો અવાજ દબાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ડેરી દ્વારા દૂધના ટેન્કરમાં પાણી ઉમેરી ભ્રષ્ટાચાર આચરતો હોવાનું પણ અગાઉ જણાવવામાં આવ્યું હતું ત્યારે આજરોજ વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના મંડળીના સભાસદો, અને પશુપાલકોના અવાજને સાંભળવા માટે વરણામા સ્થિત ત્રિમંદીર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડોદરા જિલ્લાની પાંચ બેઠકના પાંચ ધારાસભ્યો ઉપસ્થિત રહેનાર હતા પરંતુ કોઈક કારણોસર ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા ન હતા. બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે પશુપાલકો ના હિત માં આજે એકઠા થયા છે. સંસ્થા સાથે પશુપાલક પણ મજબૂત થવો જોઈએ એ અમારી લડત છે. સત્તાધીશોના પાપે પશુપાલક ની સ્થિતિ કફોડી બની છે. ડેરી ની અણઘડ નીતિ ના કારણે પશુપાલકોની સ્થિતિ દયનીય સ્થિતિ બની છે. મરતા સુધી ગેરરીતિ સામે લડતા રહીશું. ડિરેક્ટરો પોતે પોતાની ભૂલનો જાહેરમાં સ્વીકાર કરી જાતે જ સજા નક્કી કરો. જો તેઓનો વહીવટ ચોખ્ખો હોય તો જાહેર માં આવી ચર્ચા કરો અમે સામે ચર્ચા કરવા તૈયાર છે. તેઓએ એમ ઉમેર્યું હતું કે જો સોમવારે બપોરે 12 કલાક સુધીમાં પશુપાલકોને ફેટ દીઠ ભાવમાં વધારો નહિ આપવામાં આવે તો બરોડા ડેરી નિયામક મંડળ સામે સોમવારે બપોરે 2 વાગ્યે મોરચો માંડીશું. અને અમે ત્રણયે ધારાસભ્યો પશુપાલકો સાથે પ્રતીક ધરણા ઉપર ઉતરીશું.