Published By : Parul Patel
2 એપ્રિલ એટલે આંતરરાષ્ટ્રીય બાલ પુસ્તક દિન. બાલ પુસ્તક દિને સુરતની એવી બાળલેખિકાની વાત કરીશુ જેણે માત્ર 11 વર્ષની ઉંમરે “આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” નામનું પુસ્તક લખ્યું. ભાવિકાના પિતા રાજેશભાઈ સ્કોલર ઈંગ્લીશ એકેડેમીના સંચાલક છે. નાની ઉંમરે આધ્યાત્મિક વક્તા અને મોટીવેશનલ સ્પીકર તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલી આ બાળલેખિકા છે ધો.8 માં અભ્યાસ કરતી ભાવિકા મહેશ્વરી. બહુમુખી પ્રતિભા ધરાવતી ભાવિકા મોબાઈલ ગેમ્સની લતમાંથી બચાવવા 10 હજાર જેટલા બાળકોને મોબાઈલ એડિક્શન અંગે જાગૃત કરી ચૂકી છે.
કોરી પાટી સમાન બાળકોના દિમાગમાં નાની વયથી જ સંસ્કારોનો એકડો ઘૂંટી શકાય તેમજ પોતાના જેવા અન્ય બાળકોને સભ્ય નાગરિક બનાવી શકાય એ માટે ભાવિકા મહેશ્વરીએ ‘આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” નામનું રસપ્રદ પુસ્તક લખ્યું છે. ઉપરાંત, હાલમાં જ તેણે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના સંઘર્ષ અને સિદ્ધિની દાસ્તાન આલેખતું ‘સંઘર્ષ સે શિખર તક’ પુસ્તક પણ લખ્યું છે. ઉપરાંત વિશ્વની પહેલી ‘કોરોના અવેરનેસ ડ્રોઇંગ બુક’માં પણ ટીમ મેમ્બર રૂપે યોગદાન આપ્યું છે.

સુરતમાં જન્મેલી ભાવિકા માતાપિતા સાથે સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. બાળપણથી આધ્યાત્મિક વાતાવરણમાં ઉછેર થવાથી ભાવિકાએ ધર્મ, અધ્યાત્મ, વેદપુરાણોનું ગહન જ્ઞાન પણ મેળવ્યું છે. જેના થકી આજે તે ‘બાલ રામકથાકાર અને બાલભાગવત કથાકાર’ પણ છે. આ તેના પ્રેરક વ્યક્તિત્વનું બીજું પાસું છે. કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન ભાવિકાએ શાળાના ભણતરની સાથે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને રામાયણનું તલસ્પર્શી અધ્યયન કર્યું હતું. રામના આદર્શ જીવનથી પ્રભાવિત થઈને તેણે વિચાર્યું કે, રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે હું પણ યથાશક્તિ યોગદાન આપીશ. અને 11 વર્ષની ઉંમરે ભાવિકાએ 4 રામકથા કરી રૂ.52 લાખની દાનરાશિ એકત્ર કરી રામમંદિરના નિર્માણ માટે દાન આપ્યું હતું. જ્ઞાનવર્ધક અને મોટીવેશનલ વીડિયો જોઈને પણ પ્રવચન આપવાનું શીખી. માતાપિતાએ પણ પ્રસંગોપાત્ત પ્રોત્સાહન આપ્યું હતું. કાલીઘેલી ભાષા હોવા છતાં અસરકાર રીતે સમજાવી શકતી હતી.
10 વર્ષની વયે યુટ્યુબ વીડિયો સિરીઝ બનાવી ભાવિકાએ બાળકોના કાર્યક્રમોમાં 10 હજારથી વધુ બાળકોને ‘મોબાઈલ, ઓનલાઈન ગેમ્સના વળગણ અને તેનાથી છૂટવા માટેના ઉપાયો’ વિષય પર વાતચીત કરીને જાગૃત્ત કર્યા. આનાથી પ્રેરિત થઇ પહેલીવાર “આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” વિષય પર યુટ્યુબ વીડિયો સિરીઝ બનાવી. આ સિરિઝને પિતાજીએ પુસ્તકમાં રૂપાંતરિત કરવાનું સુચન કર્યું હતું. પિતાના માર્ગદર્શન થકી “આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય” નામનું પહેલું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં બાળકોને સંગત, કુસંગત, જંકફૂડથી નુકસાન, ટીવીની – મોબાઈલ,કોમ્પ્યુટરનો દુરૂપયોગ અને નકારાત્મકતા, અભ્યાસનું મહત્વ, અને સાથે વડીલો પ્રત્યે આદરભાવ, બાળકો માટે પ્રેરણારૂપ છે. ભાવિકા કહે છે કે પુસ્તકો આપણી તાર્કિક શક્તિને વિકસાવે છે અને બાળપુસ્તકોનું વાંચન બાળકોને નવી અને રોચક દુનિયાની સફર કરાવશે.

“સંઘર્ષ સે શિખર તક’ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પ્રેરણાદાયી કહાની” પર લખ્યું છે. તેઓ ગરીબી અને સંઘર્ષો સામે લડીને પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે, જેની ગાથા વાંચીને વાંચકોમાં સકારાત્મક સંદેશ જશે, અને સ્ત્રી સશકિતકરણને પણ બળ મળશે. ભાવિકાનું અન્ય એક પુસ્તક ‘21 સેન્ચુરી: રિલિવન્સ ઓફ રામ’ નામના પુસ્તકનું પણ તા.2જી એપ્રિલના રોજ વિમોચન કરવામાં આવશે
પ્રતિભાશાળી ભાવિકાએ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદ 3150 કેદીઓ સમક્ષ 5 દિવસીય ‘વિચારશુદ્ધિ કથા’ કરી હતી. કોરોનાકાળમાં આઈસોલેશન સેન્ટરમાં જઈ મોટિવેશનલ સ્પીચ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓના મનોબળ મજબૂત કરવાનું કાર્ય પણ કર્યું હતું. ભાવિકાએ સાંસદ મનોજ તિવારીના હસ્તે ‘ગ્લોબલ ઈન્ડિયા નેશનલ એક્સલેન્સ એવોર્ડ’ મેળવ્યો છે. હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં રામકથા, ભાગવત કથા અને મોટીવેશનલ સ્પીચ આપી ચૂકી છે.

‘બેટી બચાવો, બેટી પઢાવો’ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નોમિનેટ
ભાવિકા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ સર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ભારતીય સેનાના CDS-ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ મનોજ મુકુંદ નરવણે, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓએ વિવિધ મુલાકાતોમાં તેની સિદ્ધીઓ જાણી પ્રોત્સાહનપત્ર અર્પણ કર્યા છે. તાજેતરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2023’ના દિવસે શ્રેષ્ઠ કામગીરી અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનામાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નોમિનેટ થવા બદલ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.