- જે લોકો ભૂતકાળમાં કોંગ્રેસ સાથે ન રહ્યા તેઓને શું સાથે રાખવા ?
ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધન નહીં થાય તેવા સંકેત કોંગ્રેસનાં દ.ગુ.ના પ્રભારી બી.એલ. સંદીપે આપ્યા છે. તેઓ આજરોજ નર્મદા જીલ્લામાં હતા જ્યાં તેઓએ બીટીપી ભૂતકાલમાં કોંગ્રેસ સાથે ન ર્હઈ તો હવે શું રહેશે તેમ જણાવ્યુ હતું. ચૂંટણીઓ નજીક આવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ ગુજરાત ભરમાં મોંઘવારી મુદ્દે જાહેર રેલી કરી એક જિલ્લામાં થી બીજા જિલ્લા જઈ લોકોને જાગૃત કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાંથી ફરીને આ રેલી નર્મદાના મોવી ખાતે આવી પહોંચી હતી. જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રભારી બી એલ સંદીપ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ભાજપ દ્વારા દેશમાં બે ફામ મોંઘવારી વધારવામાં આવી છે. તેમના ખોટા ખર્ચાઓ સરકારી ચોપડે પડે છે અને લોકોના ટેક્સના રૂપિયે ભાજપ પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલ મોટી ચર્ચા ગુજરાતમાં એ ચાલી રહી છે કે BTP અને કોંગ્રેસ ગઠબંધન કરશે જે બાબતે પ્રભારી બી એલ સંદીપ અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલે સંકેત આપ્યા છે કે BTP અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય તેઓનું કહેવું છે કે જે પક્ષના નેતાઓ રાજ્યસભામાં જો ગત ટર્મમાં કોંગ્રેસ સાથે ન રહ્યા અને વારંવાર કોંગ્રેસ સાથે ધોખાબાજી કરી તેઓને સાથે શું કામ રાખવા. જો કે આ સંકેત હાલ આપવામાં આવ્યું છે. આગળ તો ચૂંટણી છે અને રાજકારણમાં બધુ જ શક્ય છે.
(ઈનપુટ : દિપક પટેલ, નર્મદા)