- સાબરમતી રેલવે સ્ટેશન ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કરી સમીક્ષા
- જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી કામગીરી પૂર્ણ થઇ જશે: રેલવે મંત્રી
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અમદાવાદની મુલાકાત લીધી છે. તેઓએ આજે રાજ્ય સરકાર અને વેદાંત-ફોક્સકોન ગ્રુપ વચ્ચે થયેલા MoUના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી. એ દરમ્યાન તેઓએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, ‘બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખૂબ મહત્વનો પ્રોજેક્ટ છે. સાબરમતી ખાતે મહત્વનો પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટથી સાબરમતી-અમદાવાદને ઘણો ફાયદો થશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે. વંદે ભારત ટ્રેનનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ખૂબ જ ઝડપી સમયમાં વંદે ભારત ટ્રેન પણ દોડતી થઇ જશે. ગાંધીનગરથી મુંબઇ વચ્ચે આ પ્રથમ ટ્રેન દોડશે. જેનું 30 સપ્ટેમ્બરના રોજ PM મોદી લોકાર્પણ કરશે. સાબરમતી અને કાલુપુર રેલવે સ્ટેશનનું રી-ડેવલપમેન્ટ થશે. એકદમ મોર્ડન રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશનને સૂર્ય મંદિરની થીમ આપવામાં આવશે.’
જેની રાહ ગુજરાત અને દેશના લોકો આતુરતાથી જોઇ રહ્યાં છે. તેવા બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ જેટ ગતિએ ચાલી રહ્યું છે. રેલ મંત્રાલયે એમ પણ કહ્યું હતુ કે બુલેટ ટ્રેન માટે ફાઇનલ લોકશન માટે વન્ય જીવ, જમીન માપણી વિભાગ અને વન વિભાગ પાસેથી મંજૂરી પણ મળી ચૂકી છે. આ પ્રોજેક્ટ હેઠળ મુંબઇ અને અમદાવાદ વચ્ચે 508 કિમી લાંબી ભારતની પ્રથમ હાઇસ્પીડ રેલ લાઇન બનવા જઈ રહી છે. જેનો 352 કિમીનો રૂટ ગુજરાતના 8 જિલ્લામાંથી પસાર થશે. આ માટે ગુજરાતના 8 જિલ્લાઓમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ શરૂ થઇ ચૂક્યુ છે. આ પ્રોજેક્ટનો ખર્ચ 1.1 લાખ કરોડ રૂપિયાનો અંદાજ કઢાયો છે.