Published by : Vanshika Gor
- અંકલેશ્વરની શિક્ષિકાના નામે ભરૂચનો મિત્ર અને મુંબઈના 4 ભેજાબાજો લોન ઉપર ગાડીઓ લઈ ઉડન છૂ
- ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાની વિવિધ બેંકોમાં કાર લોનના 16 ફોર્મ ભરાવી 14 ગાડીઓ છોડવાઈ
બાળપણના ખાસ મિત્રએ જ અકસ્માતમાં હેમરેજ બાદ 4 વર્ષથી બેકાર અને દેવાદાર બનેલા મિત્રને ટ્રાવેલ્સના ધંધામાં કમાણીનો ઝાંસો આપી મુંબઈના 4 ઠગની મદદથી સરકારી શિક્ષિકા એવી મિત્રની પત્નીના નામે 16 કાર છોડાવી 2 કરોડ 6 લાખની ઠગાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.ચોંકાવનારી કરોડોની છેતરપિંડીની વિગત પણ ઘણી રોચક છે. અંકલેશ્વરમાં હાંસોટ રોડ ઉપર સુંદરમ પાર્ક સોસાયટીમાં રહેતા ગોપાલ કાંતિલાલ ટેલરનો વર્ષ 2021 માં અકસ્માત થયો હતો. જેમાં 3 હેમરેજ થતા તેઓ 4 વર્ષથી બેકાર છે અને દેવદાર પણ બન્યા છે.
તેઓની પત્ની રેખાબેન અંકલેશ્વરની ટી.એમ.શાહ વિદ્યાલયમાં સરકારી શિક્ષકા તરીકે ફરજ બજાવે છે. ભરૂચના મકતમપુર જિલ્લા પંચાયત ઓફીસ કોલોનીમાં રહેતા બાળપણના ખાસ મિત્ર સમીરસિંહ રાજેન્દ્રસિંહ મહારાઉલે આનો જ લાભ ઉઠાવ્યો હતો.ગોપાલ અને તેની શિક્ષિકા પત્નીને મુંબઈના મોટા અને પ્રભાવી બિઝનેસમેન રાહુલ શાહ સાથે ભરૂચની હયાત પ્લેસમાં મિટિંગ ગોઠવી હતી. જેમાં ઔધોગિક ભરૂચ જિલ્લામાં ટ્રાવેલ્સ અને કાર બિઝનેસમાં ખૂબ જ કમાણી અને આપણું નામ થઈ જશે તેમ કહી અભિભૂત કરી દીધા હતા.
પતિને કોઇ લોન આપે તેમ ન હોય સરકારી શિક્ષિકા પત્ની રેખાબેનનો પગાર અને CIBIL સ્કોર સારો હોય કાર લોન લેવા એપ્લિકેશન ફોર્મ ભરાવવાની શરૂઆત કરી હતી. શિક્ષિકા અને તેના પતિને વિશ્વાસ અપાવવા 3 બાંહેધરી અને MOU પણ કરી આપ્યા હતા.ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાની જુદી જુદી બેંકોમાં કાર લોન માટે મુંબઈના રાહુલ શાહ અને તેના મળતીયાઓ આકાશ, વિવેક અને ઉમેશ સાથે ભરૂચના સમીરસિંહે શિક્ષિકાને 16 કાર લોનની એપ્લિકેશન કરાવી ડોક્યુમેન્ટ્સ અને સહીઓ લઈ લીધી હતી.
રાહુલ શાહ અને આણી મંડળીએ એક જ મહિનામાં ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાના શો રૂમ પરથી લકઝરીયસ 14 કાર કિંમત રૂપિયા 2 કરોડ 6 લાખની શિક્ષિકાના નામે લોન છોડાવી લીધી હતી. અંતે શિક્ષિકા અને ગોપાલભાઈને તેઓ સાથે વિશ્વાસઘાત થયો હોવાનું માલુમ પડતા તપાસ કરતા તેઓ હચમચી ઉઠ્યા હતા. આરોપીઓએ સાથે જ એક લાખની પર્સનલ લોન પણ મેળવી લીધી હતી.કાર બિઝનેસના નામે શિક્ષિકાના નામે 14 કાર લોન પર લઈ આચરાયેલી 2.6 કરોડની ઠગાઈમાં પતિના મિત્ર સહિત 5 ભેજાબાજો સામે અંકલેશ્વર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.