Published by : Rana Kajal
ગુજરાત સરકારના પ્લેન,જેટ પ્લેન અને હેલિકોપ્ટર પાછળ 2 વર્ષમાં 42 કરોડનો બેફામ ખર્ચ થયો હોવાનું સામે આવ્યુ છે અને ક્યાં ઊડાઊડ થઈ….કેમ ઉડાઉડ કરવામાં આવી.. તેની કોઈ વિગતો આપી શકાય નથી.
રાજ્ય સરકારે વિધાનસભામાં તમામ વિગતો જાહેર કરી...
રાજ્ય સરકારનો ઉડ્ડયન વિભાગ તેના પૂર્વ નિયામક કેપ્ટન અજય ચૌહાણની ગેરરીતિઓને કારણે વિવાદોથી ઘેરાયેલો છે, ત્યારે રાજ્ય સરકારે તેની માલિકીના એરોપ્લેન, જેટ પ્લેન અને હેલિકોપ્ટર પાછળ છેલ્લા બે કેલેન્ડર વર્ષ દરમિયાન કરેલા આડેધડ ખર્ચાની વિગતો વિધાનસભામાં જાહેર થઈ છે, જે રાજ્ય સરકારે કુલ રૂ. 41,77,12,515 કરોડનો તોતિંગ ખર્ચ માત્ર ઉડાઉડ માટે કર્યો હોવાનું બહાર આવ્યું છે. સરકારે દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના પ્રશ્નના લેખિત ઉત્તરમાં જાહેર કર્યું હતું કે, 2021 અને 2022ના કેલેન્ડર વર્ષ દરમિયાન એરોપ્લેન પાછળ રૂ. 9.10 કરોડ, જેટ એરોપ્લેન પાછળ રૂ.24.06 કરોડ અને હેલિકોપ્ટર પાછળ રૂ. 8.61 કરોડ ખર્ચાયા હતા. એમ પણ જણાવાયું હતું કે, રાજ્ય સરકાર આ ત્રણે હવાઈ યાતાયાતના સાધનો અમદાવાદ ઍરપોર્ટ ખાતે ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાને આ સમયગાળા દરમિયાન રૂ. 30,64,054 પાર્કિંગ ભાડા પેટે ચૂકવાયા છે. જૉકે રૂ 13 કરોડના ખર્ચ પછી સી-પ્લેન સેવાનું ઉલાળિયું થઈ ગયું હતું
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની સી-પ્લેન સેવા હવે ખોટકાઈ ગઈ છે અને ફરી ચાલુ થાય તેવા કોઈ એંધાણ દેખાતા નથી, તા.31-10-2020થી શરૂ કરીને પાંચ મહિના 10 દિવસ સુધી ચાલેલી આ સી-પ્લેન સેવા પાછળ રાજ્ય સરકારે રૂ.13,15,06,737નો ધુમાડો કર્યો હોવાની વિગતો પણ વિધાનસભામાં જાહેર થઈ છે.