- બાપુનગરનો લુખ્ખો વિકી ટપોરી સિસ્ટમમાં સડાને લઈ બન્યો કરોડોનો ફાયનાન્સર
- કિડનીની બીમારીના કારણે વિકી ગુપ્તા, વિકી કિડનીના નામે કુખ્યાત થયો
- જીતુ થરાદ માટે ફાયનાન્સ અને ઉઘરાણી કરતો વિકી હાલ જેલના સળિયા પાછળ
- આ ગુનેગારને પોલીસ અને ગુનેગાર મિત્રો હજી પણ મદદ કરવા માટે તલપાપડ
ભાઈગીરી, પૈસા કમાવવા શોર્ટકટમાં સિસ્ટમનો સડો જ કોઈપણ ટપોરી કે લુખ્ખાઓને રાતો રાત કુખ્યાત બનાવી દે છે. પોલીસ હોય કે ગુનેગાર દરેકને રૂપિયા આપતા અમદાવાદના બાપુનગરના જીતુ થરાદ માટે ઉઘરાણી કરતા વિકી કિડની નામના ટપોરીની કઈક આવી જ કહાની છે. જે સામાન્ય ટપોરીમાંથી કરોડોનો ફાઈનાન્સર બની ગયો.
કહેવાય છે કે, ગુનેગારની માનસિકતા પહેલેથી જ હોય છે પણ તેને કોઈનો સહારો મળે તો તે ગુનાહિત પ્રવૃત્તિમાં પણ કાઠું કાઢે છે. આવો જ અમદાવાદનો એક ટપોરી વિકી ગુપ્તા ઉર્ફે વિકી કિડની હાલ જેલના સળિયાની પાછળ છે કારણ કે તે જિતુ થરાદનો કલેકટર હતો, એટલે કે ફાઇનાન્સ કરવાનો અને તેની ઉઘરાણી કરવાનું કામ એ વિકી કિડની કરતો હતો. આખરે પોલીસે તેની સામે ગુનો દાખલ કરી દીધો છે. હાલ તે જેલના સળિયા પાછળ છે પણ તેના પોલીસ મિત્રો અને ગુનેગાર મિત્રો હજી પણ તેને મદદ કરવા માટે તલપાપડ થઈ રહ્યા છે. આવા ગુનેગારને મદદ કરવાથી સમાજમાં હજુ મોટાં દૂષણ ઊભા થાય તેવી શક્યતા છે. પરંતુ રૂપિયાના જોરે વિકી કિડની કે જિતુ થરાદ કંઈ પણ કરી શકે તેમ માને છે. અમદાવાદ શહેરમાં પોલીસના વહીવટદારોને ફાઇનાન્સ પણ આ કિડની જ કરતો.
ગુણાખોરીની દુનિયામાં અઢળક માલ, દારૂ-જુગારના સ્ટેન્ડ માટે શરૂ કર્યું ફાઇનાન્સ
બાપુનગર વિસ્તારમાં સામાન્ય ટપોરીગીરી કરતો વિકી ગુપ્તા ઉર્ફે વિકી કિડની કરોડોનું ફાઇનાન્સ કરતો થઈ ગયો પણ આ અચાનક નથી બન્યો. શરૂઆતમાં તેણે નાના-મોટા ગુનેગારો સાથે હાથ મિલાવ્યો અને તેને ખબર પડી કે આ રસ્તામાં ખૂબ રૂપિયા છે. બે પોલીસ કર્મચારીને સાચવવાથી પાંચ ખોટાં કામ કરી શકાય છે તેવું માનતો વિકી કિડની બાપુનગર વિસ્તારમાં ગુનેગારોને ગુના માટે એટલે કે દારૂ અને જુગારના સ્ટેન્ડ ચલાવવા માટે ફાઇનાન્સ કરતો હતો. કારણ કે કોઈપણ ગુનેગારને ગુનાહિત પ્રવૃત્તિ ચલાવવી હોય તો તેની ગેરકાયદેસર રકમ કેટલા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને આપવી પડતી હોય છે અને તેનો જ ફાયદો વિકી કિડની ઉઠાવવાનો શરૂ કર્યો પણ તેની પાસે તે સમયે રકમ કે મૂડી ન હતી. પણ હવે આ રસ્તામાં ખૂબ જ રકમ છે અને આવક છે તેમ કરીને તે જિતુ થરાદ જેવા બુકીઓના કોન્ટેકમાં આવ્યો હતો.
અમદાવાદમાં પોલીસ માટે પણ બેંક બની ગયો હતો બાપુનગરનો આ કિડની
કિડનીની બીમારીથી પરેશાન વિકી ગુપ્તાનું નામ વિકી કિડની પડી ગયું અને પોલીસ હોય કે ગુનેગાર દરેકને ફાઇનાન્સ માટે વિકીની જરૂર પડે છે. પરંતુ વિકી એટલો સાતિર હતો કે તે કોઈની પણ પાસેથી પોતાનું કામ કઢાવીને તેને છોડી દેતો હતો. એટલે એક વખત કોઈ પોલીસ કર્મચારીને જી સર, મોટાભાઈ કહીને કામ કરાયા બાદ તેના મોટા અધિકારી પાસે તેની ગેમ કરવા માટે રેડી થઈ જાય છે એવી વિગતો સૂત્રો જણાવી રહ્યા છે.
વ્યાજખોરી અને ઉઘરાણી કરવાની દરેક જગ્યાએ વિકીની વસુલાત ગીરી
શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ હોય કે ક્રિકેટની લાઇન હોય, કન્સ્ટ્રક્શનમાં ઇન્વેસ્ટમેન્ટ હોય કે કોઈને ધાકધમકી આપીને મકાન પચાવી પાડવું. ફાઇનાન્સની ઉઘરાણી કરવાની દરેક જગ્યાએ વિકી કિડની ઇન્વોલ્વ થઈને કોઈ બીજાને નહિ તે ગુનેગારને અથવા કોઈ પોલીસ કર્મચારીને જ ભાગીદાર બનાવતો હતો. એટલે તે સિફતપૂર્વક નીકળી જાય પરંતુ આ વખતે એવું બન્યું નહીં અને આ વખતે તેની ધરપકડ થઈ. હાલ તે જેલના સળિયા પાછળ છે.
પ્રેમ પ્રકરણ, કરોડોની જમીનમાં હત્યામાં પણ પોલીસે ઉઠાવ્યો અને છૂટી ગયો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલાં વસ્ત્રાલ રિંગ રોડ પર એક ચકચારી મર્ડર કેસ થયો હતો. તેમાં પણ ક્રાઈમ બ્રાન્ચ તેને શકમંદ તરીકે ઉઠાવી ગઈ હતી. પરંતુ ત્યારબાદ શું થયું કોઈને ખબર નહીં અને તે પાછો બહાર આવી ગયો. મૂળ વાત હત્યા પાછળ પ્રેમ પ્રકરણની સાથે કરોડોની જમીનનું પણ નેટવર્ક હોય તેવી ચર્ચા હાલ પોલીસ બેડામાં છે. આ સમગ્ર મામલામાં વિકી કિડનીને કોઈએ બચાવ્યો હોય તેવી ચર્ચા થઈ રહી છે.